(૧૬) શું અલ્લાહ (તઆલા)એ પોતાની મખલુકમાંથી પોતાના માટેપુત્રીઓ રાખી લીધી અને તમને પુત્રોથી નવાજ્યા ?
(૧૭) તેમનામાંથી કોઈને જ્યારે તે વસ્તુની ખબર આપવામાં આવે છે જેનું દષ્ટાંત તેણે અલ્લાહ દયાળુના માટે વર્ણન કર્યુ છે તો તેનું મોઢું કાળુ પડી જાય છે અને તે ગમગીન થઈ જાય છે.
(૧૮) અથવા શું (અલ્લાહની સંતાન પુત્રી છે) જે ઘરેણાંઓમાં ઉછેરાય અને વાદ-વિવાદમાં (પોતાની વાત) સ્પષ્ટ ન કરી શકે ?[1]
(૧૯) અને એમણે દયાળુ (રહમાન)ની બંદગી કરનારા ફરિશ્તાઓને સ્ત્રીઓ ઠેરવી દીધી. શું તેમની પેદાઈશના સમયે તેઓ હાજર હતા ? તેમની આ ગવાહી લખી લેવામાં આવશે અને તેમને આની પૂછતાછ કરવામાં આવશે.
(૨૦) અને કહે છે કે, “જો અલ્લાહ (તઆલા) ચાહતો તો અમે તેમની બંદગી ન કરતા”, આ લોકોને તેનું કશું જ્ઞાન નથી, આ તો માત્ર અટકળો કરે છે.
(૨૧) શું અમે આના પહેલા આમને કોઈ કિતાબ આપી હતી, જેને આ લોકો મજબૂતીથી પકડેલા છે ?
(૨૨) નહિં, પરંતુ આ લોકો કહે છે કે અમે અમારા બાપ-દાદાઓને એક ધર્મ પર જોયા, તો અમે એમના જ પદચિન્હો ઉપર ચાલીને સંમાર્ગ (હિદાયત) પર છીએ.
(૨૩) અને આવી જ રીતે તમારા પહેલા પણ અમે જે વસ્તીમાં કોઈ ડરાવનાર મોકલ્યો, તો ત્યાંના સુખી લોકોએ આવું જ કહ્યું કે અમે અમારા બાપ-દાદાઓને (એક માર્ગ પર અને) એક ધર્મ પર જોયા અને અમે તો તેમના જ પદચિન્હોનું અનુસરણ કરનારા છીએ.
(૨૪) (નબીએ) કહ્યું કે, જોકે હું તેનાથી ખૂબ બહેતર (મકસદ સુધી પહોંચાડનાર) માર્ગ લઈને આવ્યો છું જેના પર તમે તમારા બાપ-દાદાઓને જોયા, તો તેઓએ જવાબ આપ્યો કે અમે તેને માનવાના નથી જેને આપીને તમને મોકલવામાં આવ્યા છે.[1]
(૨૫) તો અમે તેમનાથી બદલો લીધો અને જોઈ લો જૂઠાડનારાઓનો અંજામ કેવો થયો ? (ع-૨)