(૪૧) અને જે લોકો એ જુલમ સહન કર્યા પછી અલ્લાહના માર્ગમાં હિજરત કરી છે, અમે તેમને સૌથી સારી જગ્યા દુનિયામાં પ્રદાન કરીશું, અને આખિરતનો બદલો તો ઘણો મોટો છે, કાશ ! લોકો આનાથી વાકેફ હોત.
(૪૨) તે લોકો જેમણે સબ્ર કર્યું અને પોતાના રબ પર જ ભરોસો કરતા રહ્યા.
(૪૩) અને તમારાથી પહેલા પણ અમે પુરૂષોને જ મોકલતા રહ્યા જેમના તરફ વહી ઉતાર્યા કરતા હતા, જો તમે નથી જાણતા તો ઈલ્મવાળાઓને પૂછી લો.[1]
(૪૪) નિશાનીઓ અને કિતાબો સાથે, આ ઝીક્ર (કિતાબ) અમે તમારા તરફ ઉતારી છે કે લોકોના તરફ જે ઉતારવામાં આવ્યુ છે તમે તેને સ્પષ્ટ રીતે વર્ણન કરી દો, કદાચ તેઓ ચિંતન-મનન કરે.
(૪૫) છળકપટ કરનારા શું આ વાતથી નિર્ભય થઈ ગયા છે કે અલ્લાહ (તઆલા) તેમને ધરતીમાં ખૂપાવી દે અથવા તેમના પાસે એવી જગ્યાઓથી અઝાબ આવી પહોંચે જ્યાંથી તેમને કલ્પના પણ ન હોય.
(૪૬) અથવા તેમને હરતાં-ફરતાં પકડી લે, આ લોકો કોઈ રીતે પણ અલ્લાહને મજબૂર નથી કરી શકતા.
(૪૭) અથવા તેમને ડરાવી-ધમકાવીને પકડી લે, પછી બેશક તમારો રબ ઘણો નમ્ર અને દયાળુ છે.
(૪૮) શું તેઓએ અલ્લાહની સૃષ્ટિમાંથી કોઈને પણ નથી જોયા કે તેમના પડછાયા ડાબે-જમણે ઝૂકીને અલ્લાહને સિજદો કરે છે અને વિનમ્રતાનું પ્રદર્શન કરે છે.
(૪૯) અને બેશક આકાશો અને ધરતીના તમામ સજીવો અને તમામ ફરિશ્તાઓ અલ્લાહ (તઆલા)ને સિજદો કરે છે અને જરા પણ ઘમંડ કરતા નથી.
(૫૦) અને પોતાના રબથી જે તેમના ઉપર છે ડરતા રહે છે અને જે હુકમ મળી જાય તેનું પાલન કરવામાં લાગેલા રહે છે.(ع-૬) {સિજદો-૩}