(૪૫) બેશક પરહેઝગાર લોકો બાગો અને ઝરણાઓમાં હશે.
(૪૬) (તેમને કહેવામાં આવશે) સલામતી અને શાંતિ સાથે તેમાં દાખલ થઈ જાઓ.
(૪૭) અને તેમના દિલોમાં જે કંઈ પણ દોષ અને કપટ હશે અમે બધું જ કાઢી નાખીશું, તેઓ ભાઈ-ભાઈ બનીને એકબીજાના સામે આસનો પર બેઠેલા હશે.
(૪૮) ન તો ત્યાં તેમને કોઈ દુઃખ પહોંચી શકશે અને ન તો ત્યાંથી તેમને કાઢવામાં આવશે.
(૪૯) મારા બંદાઓને જાણ કરી દો કે, “હું ઘણો માફ કરનાર અને દયાળુ છું.
(૫૦) અને સાથે જ મારો અઝાબ પણ ઘણો પીડાકારી છે."
(૫૧) અને એમને ઈબ્રાહીમના મહેમાનોની (પણ) ખબર સંભળાવી દો.
(૫૨) કે જ્યારે તેઓએ તેમના પાસે આવીને સલામ કરી તો તેમણે કહ્યું કે, “અમને તો તમારાથી ડર લાગે છે.”[1]
(૫૩) (ફરિશ્તાઓએ) કહ્યું, “ડરો નહિ, અમે તમને એક ઈલ્મવાળા પુત્રની ખુશખબર આપીએ છીએ.”
(૫૪) કહ્યું, “શું આ વૃધ્ધાવસ્થા પછી પણ તમે મને ખુશખબર આપો છો ! આ ખુશખબર તમે કેવી રીતે આપી રહ્યા છો?”
(૫૫) તેમણે કહ્યું, “અમે તમને બિલકુલ સાચી ખુશખબર સંભળાવીએ છીએ, તમે નિરાશ થનારા લોકોમાં સામેલ ન થાઓ.”
(૫૬) કહ્યું, “પોતાના રબની કૃપાથી નિરાશ તો કફત ભટકી ગયેલા લોકો જ થાય છે.”
(૫૭) પૂછ્યું કે, “હે અલ્લાહના મોકલેલાઓ (ફરિશ્તાઓ) ! તમારું એવું શું ખાસ કામ છે ?”[1]
(૫૮) તેમણે જવાબ આપ્યો કે, “અમે ગુનેહગાર લોકો તરફ મોકલવામાં આવ્યા છીએ.
(૫૯) પરંતુ લૂતના પરિવારને અમે જરૂર બચાવી લઈશું.
(૬૦) સિવાય લૂતની પત્નીના કે અમે તેને રોકાઈ જનારા અને પાછળ રહી જનારા લોકોમાં નક્કી કરી લીધી છે.” (ع-૪)