Surah Ali 'Imran
સૂરહ આલે ઈમરાન
સૂરહ આલે ઈમરાન
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૦૨) અય ઈમાનવાળાઓ! અલ્લાહથી એટલું ડરો જેટલું તેનાથી ડરવું જોઈએ અને (જૂઓ) મૃત્યુ સુધી મુસલમાન જ રહેજો.
(૧૦૩) અને અલ્લાહ (તઆલા)ની રસ્સીને બધા ભેગા મળીને મજબૂતીથી પકડી લો, અને જૂથબંધી ન કરો,[49] અને અલ્લાહ (તઆલા)ના તે વખતના ઉપકારને યાદ કરો જયારે તમે લોકો પરસ્પર એકબીજાના દુશ્મન હતા, તેણે તમારા દિલોમાં મોહબ્બત નાખી દીધી અને તમે તેની કૃપાથી ભાઈ-ભાઈ બની ગયા અને તમે આગના એક ખાડાના કિનારા સુધી પહોંચી ગયા હતા તો તેણે તમને બચાવી લીધા. અલ્લાહ (તઆલા) આ રીતે પોતાની નિશાનીઓનું વર્ણન કરે છે જેથી તમે હિદાયત પામી શકો.
(૧૦૪) અને તમારામાં એક જૂથ એવું હોવું જોઈએ, જે ભલાઈની તરફ બોલાવે અને નેક કામોનો હુકમ આપે અને બૂરા કામોથી રોકે અને આ જ લોકો સફળ થનાર છે.
(૧૦૫) અને તમે તે લોકોના જેવા ન થઈ જતા જેઓ પોતાના પાસે સ્પષ્ટ દલીલ આવી જવા છતાં પણ મતભેદમાં પડી ગયા, તેમના માટે સખત અઝાબ છે.
(૧૦૬) જે દિવસે કેટલાક ચહેરા સફેદ હશે અને કેટલાક કાળાં,[50] કાળાં ચહેરાવાળાઓને (કહેવામાં આવશે) કે તમે ઈમાન લાવ્યા પછી કુફ્ર કેમ કર્યું? પોતાના ઈન્કારની સજા માણો.
(૧૦૭) અને સફેદ ચહેરાવાળા અલ્લાહ (તઆલા) ની રહમતમાં હશે અને તેમાં હંમેશા રહેશે.
(૧૦૮) (અય નબી!) અમે આ સાચી આયતોને તમારા પર પઢી રહ્યા છીએ અને અલ્લાહ (તઆલા)નો ઈરાદો લોકો પર જુલમ કરવાનો નથી.
(૧૦૯) અને જે કંઈ આકાશોમાં અને ધરતીમાં છે તે અલ્લાહ (તઆલા) ના માટે છે અને અલ્લાહ (તઆલા)ના તરફ બધા કામોનું પાછા ફરવું છે.