અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) લોકોના હિસાબનો સમય નજીક આવી ગયો છે,[1] પછી પણ તેઓ ગફલતમાં મોઢું ફેરવેલ છે.
(૨) તેમના પાસે તેમના રબ તરફથી જે પણ નવી નવી શિખામણ આવે છે તેને તેઓ ખેલકૂદમાં જ સાંભળે છે.
(૩) તેમના દિલ સંપૂર્ણ રીતે ગાફેલ છે અને તે જાલિમોએ ચૂપકે-ચૂપકે ગુસપુસ કરી કે, “તે તમારા જેવો જ મનુષ્ય છે, પછી શું કારણ છે કે તમે દેખતી આંખે જાદૂમાં ફસાઈ જાઓ છો?”
(૪) (પયગંબરે) કહ્યું, “મારો રબ દરેક વાતને જે આકાશો અને ધરતીમાં છે, સારી રીતે જાણે છે, તે ઘણો સાંભળનાર અને જાણનાર છે.”
(૫) (એટલુ જ નહિ) બલ્કે તેઓ કહે છે કે, “આ કુરઆન કાલ્પનિક સ્વપ્નોનો સંગ્રહ છે, બલ્કે તેણે પોતે આને ઘડી લીધુ છે, બલ્કે આ કવિ છે, નહિ તો અમારા સામે કોઈ એવી નિશાની લાવે જેવી રીતે પહેલાના જમાનામાં પયગંબર નિશાનીઓ સાથે મોકલવામાં આવ્યા હતા.”
(૬) આમના પહેલા અમે જેટલી વસ્તીઓને બરબાદ કરી તે ઈમાનથી વંચિત હતી, તો શું હવે આ લોકો ઈમાન લાવશે ?
(૭) તમારા પહેલા જેટલા પણ પયગંબર અમે મોકલ્યા બધા મનુષ્ય હતા,[1] જેમના તરફ અમે વહી મોકલતા હતા, જો તમને ઈલ્મ[2] ન હોય તો તમે ઈલ્મ વાળાઓને પૂછી લો.
(૮) અને અમે તેમને એવા શરીર આપ્યા ન હતા કે તેઓ ભોજન ન લેતા હોય અને ન તેઓ હંમેશા જીવિત રહેનારા હતા.
(૯) પછી અમે તેમના સાથે કરેલા તમામ વાયદાઓ સાચા સાબિત કરી દેખાડ્યા, તેમને અને જેને-જેને અમે ચાહ્યું છૂટકારો આપ્યો અને હદથી વધી જનારાઓને નષ્ટ કરી દીધા.
(૧૦) બેશક અમે તમારા તરફ કિતાબ ઉતારી છે, જેમાં તમારા માટે શિક્ષા (નસીહત) છે, શું પછી પણ તમે બુદ્ધિનો ઉપયોગ નથી કરતા ? (ع-૧)