(૧૧૩) અને જો તમારા પર અલ્લાહની મહેરબાની અને રહમત ન હોત તો તેમના એક જૂથે તમને ગુમરાહ કરવાની સાઝિશ કરી લીધી હતી, પરંતુ તેઓ પોતાને ગુમરાહ કરતા રહ્યા અને તેઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકતા નથી અને અલ્લાહે તમારા પર કિતાબ અને ઈલ્મ ઉતાર્યું છે અને તમે જેને જાણતા ન હતા તેનું ઈલ્મ આપ્યું છે અને તમારા પર અલ્લાહની ઘણી મહેરબાની છે.
(૧૧૪) તેમની વધારે પડતી કાનાફૂસીમાં કોઈ ભલાઈ નથી, પરંતુ જેણે અહેસાન અથવા ભલાઈ અથવા લોકોની વચ્ચે સુધાર માટે હુકમ આપ્યો અને જે કોઈ આ કામ અલ્લાહની મરજી પ્રાપ્ત કરવા માટે કરશે, અમે તેને ખરેખર ઘણો મોટો બદલો આપીશું.
(૧૧૫) અને જે કોઈ સત્ય માર્ગને સ્પષ્ટ થઈ ગયા પછી રસૂલ (સ.અ.વ.) નો વિરોધ કરશે અને મુસલમાનોના માર્ગ સિવાય બીજા કોઈ માર્ગની શોધ કરશે, અમે તેને તેની તરફ ફેરવી દઈશું જેની તરફ તે ફરતો હોય, પછી અમે તેને જહન્નમમાં ઝોંકીશું અને તે ઘણી ખરાબ જગ્યા છે. (ع-૧૭)