(૧૧૬) અને (તે સમય પણ યાદ કરો) જયારે કે અલ્લાહ (તઆલા) કહેશે કે હે ઈસા ઈબ્ને મરયમ, શું તમે તે લોકોને કહ્યું હતું કે મને અને મારી માતાને અલ્લાહના સિવાય મા’બૂદ બનાવી લેશો ?[85] (ઈસા) કહેશે કે, “હું તો તને પવિત્ર સમજુ છું, મને કેવી રીતે શોભા આપતી કે હું આવી વાત કહેતો જેને કહેવાનો મને હક નથી, જો મેં કહ્યું હશે તો તને તેનું ઈલ્મ હશે, તું તો મારા દિલની વાત જાણે છે, હું તારા મનમાં જે કંઈ છે તેને નથી જાણતો, ફક્ત તું જ ગૈબનો જાણકાર છે.
(૧૧૭) મેં તેમને ફક્ત એ જ કહ્યું જેનો તે મને હુકમ આપ્યો કે પોતાના રબ અને મારા રબ અલ્લાહની બંદગી કરો, અને જ્યાં સુધી હું તેમનામાં રહ્યો તેમના ૫૨ ગવાહ રહ્યો અને જ્યારે તેં મને ઉઠાવી લીધો તો તું જ તેમનો સંરક્ષક હતો અને તું દરેક વસ્તુ પર ગવાહ છે.
(૧૧૮) જો તું તેમને સજા આપે તો તેઓ તારા બંદાઓ છે અને જો તું તેમને માફ કરી દે તો તું જબરદસ્ત હિકમતવાળો છે.”
(૧૧૯) અલ્લાહ (તઆલા) કહેશે કે, “આ એ દિવસ છે કે સાચા લોકોને તેમની સચ્ચાઈ ફાયદાકારક હશે, તેમને બગીચા મળશે જેની નીચે નહેરો વહી રહી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહ (તઆલા) તેમનાથી રાજી અને તેઓ અલ્લાહથી રાજી છે, આ ઘણી મોટી સફળતા છે.”
(૧૨૦) અલ્લાહનું જ રાજ્ય છે, આકાશોમાં અને ધરતીમાં અને જે કંઈ તેમાં હાજર છે અને તે દરેક વસ્તુ પર વર્ચસ્વ ધરાવે છે. (ع-૧૬)