(૧૦) અને જે-જે વાતોમાં તમારો મતભેદ હોય તેનો ફેંસલો અલ્લાહ (તઆલા) તરફ જ છે,[1] તે જ અલ્લાહ મારો રબ છે જેના પર મેં ભરોસો કર્યો છે, અને તેના તરફ હું પાછો ફરૂ છું.
(૧૧) તે આકાશો અને ધરતીને પેદા કરનાર છે, જેણે તમારા માટે તમારી જાતિમાં જોડીઓ બનાવી દીધી છે અને ચોપાયામાં પણ જોડીઓ બનાવી છે, તે તમને તેમાં ફેલાવી રહ્યો છે, તેના સમાન કોઈ વસ્તુ નથી, તે સાંભળનાર અને જોનાર છે.
(૧૨) આકાશો અને ધરતીના ખજાનાઓની ચાવીઓ તેના જ પાસે છે, જેની ચાહે રોજી વધારી દે અને જેની ચાહે તંગ કરી દે, બેશક તે દરેક વસ્તુનો જાણનાર છે.
(૧૩) અલ્લાહ (તઆલા)એ તમારા માટે તે જ ધર્મ નિર્ધારિત કરી દીધો છે જેને કાયમ કરવાનો તેણે નૂહ (અ.સ.) ને હુકમ આપ્યો હતો, જેને (વહી વડે) અમે તમારા તરફ મોક્લી દીધો છે અને જેનો ખાસ હુકમ અમે ઈબ્રાહીમ અને મૂસા અને ઈસા (અ.સ.) ને આપ્યો હતો[1] કે આ ધર્મને સ્થાપિત (કાયમ) કરો અને આમાં ફૂટ ન નાખશો,[2] જે વસ્તુ તરફ તમે એમને બોલાવી રહ્યા છો એ તો મુશરિકો પર ભારે હોય છે. અલ્લાહ (તઆલા) જેને ચાહે તેને પોતાનો પસંદગીપાત્ર બનાવે છે અને જે પણ તેના તરફ રુજૂ થાય છે તેનું તે માર્ગદર્શન કરે છે.
(૧૪) અને લોકોએ પોતાના પાસે ઈલ્મ આવી ગયા પછી મતભેદ કર્યો (અને તે પણ) પરસ્પર હઠધર્મીથી, અને જો તમારા રબની વાત એક નિશ્ચિત સમય સુધી પહેલાથી જ નિર્ધારિત કરેલ ન હોત તો બેશક આમનો ફેસલો થઈ ગયો હોત, અને જે લોકોને તેમના પછી કિતાબ આપવામાં આવી છે તેઓ પણ તેના તરફથી શંકામાં પડેલા છે.[1]
(૧૫) તો તમે લોકોને તેના તરફ બોલાવતા રહો, અને જે કંઈ તમને કહેવામાં આવ્યુ છે તેના પર મજબૂતીથી રહો, અને તેમની ઈચ્છાઓ પર ન ચાલો,[1] અને કહી દો કે, “અલ્લાહ (તઆલા) એ જેટલી કિતાબો ઉતારી છે તેના પર મારું ઈમાન છે, અને મને હુકમ આપવામાં આવ્યો છે કે તમારામાં ન્યાય કરતો રહું. અમારા અને તમારા બધાનો રબ અલ્લાહ જ છે, અમારા કર્મો અમારા માટે છે અને તમારા કર્મો તમારા માટે છે, અમારા અને તમારા વચ્ચે કોઈ ઝઘડો નથી, અલ્લાહ (તઆલા) સૌને એકઠા કરશે અને તેના તરફ પાછા ફરવાનું છે.”
(૧૬) અને જે લોકો અલ્લાહ (તઆલા) ની આયતોમાં ઝઘડે છે એના પછી કે (સૃષ્ટિ) તેને માની ચૂકી છે, તેમનો ઝઘડો અલ્લાહના નજદીક જૂઠ છે,[1] અને તેમના ઉપર પ્રકોપ (ગઝબ) છે અને તેમના માટે સખત અઝાબ છે.
(૧૭) અલ્લાહ (તઆલા) એ સત્ય સાથે કિતાબ ઉતારી છે અને ત્રાજવું પણ (ઉતાર્યુ છે) અને તમને શું ખબર કે કયામત નજીક જ ન હોય.
(૧૮) તેની જલ્દી તેઓને છે જેઓ તેના પર ઈમાન નથી ધરાવતા અને જેઓ તેના પર ઈમાન ધરાવે છે તેઓ તો તેનાથી ડરે છે અને તેમને તેના સાચા હોવાનું સંપૂર્ણ જ્ઞાન છે. યાદ રાખો, જે લોકો કયામતના વિશે લડી-ઝઘડી રહ્યા છે,[1] તેઓ દૂરની ગુમરાહીમાં પડી ગયા છે.
(૧૯) અલ્લાહ (તઆલા) પોતાના બંદાઓ પર ઘણો મહેરબાન છે, જેને ચાહે છે વધારે રોજી આપે છે અને તે ખૂબ જ શક્તિશાળી અને પ્રભુત્વશાળી છે. (ع-૨)