(૯૪) પછી જે પણ નેક કામ કરશે, અને તે ઈમાનવાળો પણ હોય, તો તેની કોશિશની કોઈ ઉપેક્ષા કરવામાં નહિ આવે, અમે તો તેના લખવાવાળા છીએ.
(૯૫) અને જે વસ્તીને અમે બરબાદ કરી દીધી, તેના માટે અનિવાર્ય છે કે ત્યાંના લોકો પાછા નહિ આવે.
(૯૬) ત્યાં સુધી કે યાજૂજ અને માજૂજને ખોલી નાખવામાં આવશે અને તેઓ દરેક ઢોળાવથી દોડતા આવશે.[1]
(૯૭) અને સાચો વાયદો નજીક આવી લાગશે તે સમયે કાફિરોની આંખો ફાટેલી રહી જશે કે, “હાય અફસોસ! અમે આનાથી બેદરકાર હતા, બલ્કે હકીકતમાં અમે જાલિમ હતા.”
(૯૮) તમે અને અલ્લાહના સિવાય જેની-જેની તમે બંદગી કરો છો, બધા જહન્નમનું ઈંધણ બનશો, તમે બધા તેમાં (જહન્નમમાં) જવાવાળા છો.
(૯૯) જો તેઓ (સાચા) મા'બૂદ હોત તો જહન્નમમાં દાખલ ન થતા, અને બધા તેમાં હંમેશા રહેનારા છે.
(૧૦૦) તેઓ ત્યાં ચીસો પાડી રહ્યા હશે અને ત્યાં કશું પણ સાંભળી નહિ શકે.
(૧૦૧) પરંતુ જેમના માટે અમારા તરફથી પહેલાથી જ ભલાઈ નિશ્ચિત છે, તે બધા જહન્નમથી દૂર જ રાખવમાં આવશે.[1]
(૧૦૨) તેઓ તો જહન્નમની આહટ પણ સાંભળી નહિ શકે, અને પોતાની મનગમતી વસ્તુઓ સાથે હંમેશા રહેવાવાળા હશે.
(૧૦૩) તે મોટી ગભરામણ પણ તેમને ઉદાસ નહિ કરી શકે અને ફરિશ્તાઓ તેમને હાથો-હાથ લઈ લેશે કે આ જ તમારો તે દિવસ છે જેનો તમારાથી વાયદો કરવામાં આવતો હતો.
(૧૦૪) તે દિવસે અમે આકાશને એવી રીતે લપેટી દઈશું જેવી રીતે રોલના કાગળને લપેટી દેવામાં આવે છે, જે રીતે અમે પહેલી વખત સર્જન કર્યુ હતુ તે રીતે બીજી વખત સર્જન કરીશું, આ અમારો મજબૂત વાયદો છે અને આવું અમે જરૂર કરીને જ રહીશું.
(૧૦૫) અને અમે ઝબૂરમાં ચેતવણી અને નસીહત પછી એ લખી ચૂક્યા છીએ કે ધરતીના વારસદાર અમારા નેક બંદાઓ જ હશે.
(૧૦૬) બંદગી કરવાવાળા નેક બંદાઓના માટે તો આમાં એક મોટી ખબર છે.
(૧૦૭) અને ( હે પયગંબર ! ) અમે તમને સમગ્ર દુનિયાવાળાઓ માટે રહમત બનાવીને જ મોકલ્યા છે.[1]
(૧૦૮) કહી દો કે, “મારા તરફ તો બસ વહી કરવામાં આવે છે કે તમારા બધાનો મા'બૂદ એક જ છે, તો શું તમે પણ તેને માનવાવાળા છો?”
(૧૦૯) પછી જો તેઓ મોઢું ફેરવી લે તો કહી દો કે, “મેં તમને સમાનરૂપે સતર્ક કરી દીધા છે, મને ઈલ્મ નથી કે જેનો વાયદો તમારા સાથે કરવામાં આવી રહ્યો છે તે નજીક છે કે દૂર.
(૧૧૦) બેશક તે (અલ્લાહ તઆલા) તો તમારી ખુલી વાતોને પણ જાણે છે તથા જેને તમે છૂપાવો છો તેને પણ જાણે છે.
(૧૧૧) અને મને તેનું પણ ઈલ્મ નથી, શક્ય છે કે આ તમારી પરીક્ષા હોય અને એક નિશ્ચિત સમય સુધીનો લાભ હોય.”
(૧૧૨) (નબીએ) જાતે કહ્યું કે, “હે મારા પાલનહાર! ન્યાયપૂર્વક ફેંસલો કરી દે અને અમારો રબ ઘણો કૃપા કરવાવાળો છે, જેનાથી મદદ માંગવામાં આવે છે તે વાતો પર જેને તમે બનાવી રહ્યા છો.” (ع-૭)