અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) હે નબી! અલ્લાહ (તઆલા) થી ડરતા રહો અને કાફિરો અને મુનાફિકોની વાતોમાં ન આવી જતા, અલ્લાહ (તઆલા) ઘણો જાણવાવાળો અને હિકમતવાળો છે.
(૨) અને જે કંઈ તમારા તરફ તમારા રબ તરફથી વહી કરવામાં આવે છે[1] તેનું અનુસરણ કરો, (યકીન કરો) કે અલ્લાહ તમારા દરેક કર્મોથી વાકેફ છે.
(૩) અને તમે અલ્લાહ ઉપર જ ભરોસો રાખો, અલ્લાહ (તઆલા) કામ બનાવવા માટે પૂરતો છે.
(૪) કોઈ વ્યક્તિની છાતીમાં અલ્લાહે બે દિલ નથી મૂક્યાં અને તમારી જે પત્નીઓને તમે માતા કહી બેસો છો, તેમને અલ્લાહે તમારી માતા નથી બનાવી અને ન તમારા પાલક પુત્રોને તમારા સગા પુત્રો બનાવ્યા છે, આ તો તમારા પોતાના મોઢાંની વાતો છે,[1] અલ્લાહ (તઆલા) સાચી વાત કહે છે,[2] અને તે જ સીધો માર્ગ દેખાડે છે.
(૫) પાલક પુત્રોને તેમના વાસ્તવિક પિતાઓના સંબંધથી બોલાવો, અલ્લાહની નજીક આ પૂરા ન્યાયની વાત છે,[1] પછી જો તમને તેમના પિતાની ખબર જ ન હોય તો તેઓ તમારા દીનીભાઈ અને દોસ્ત છે, તમારાથી ભૂલમાં જે કંઈ થઈ જાય તેમાં તમારા ઉપર કોઈ ગુનોહ નથી, પરંતુ ગુનોહ એ છે કે જેનો તમે ઈરાદો કરો અને ઈરાદો દિલથી કરો, અલ્લાહ (તઆલા) માફ કરનાર અને દયાળુ છે.
(૬) પયગંબર ઈમાનવાળાઓ ઉપર તેમના પોતાનાથી પણ વધારે હક રાખે છે,[1] અને પયગંબરની પત્નીઓ ઈમાનવાળાઓની માતાઓ છે.[2] અને રિશ્તેદારો અલ્લાહની કિતાબના આધારે બીજા ઈમાનવાળાઓની અને મુહાજિરોની સરખામણીમાં વધારે હકદાર છે. (હાં) તમને તમારા દોસ્તો સાથે ભલાઈ કરવાની છૂટ છે આ હુકમ સુરક્ષિત પુસ્તક (લૌહે મહફૂઝ)માં લખેલો છે.
(૭) અને જયારે કે અમે તમામ નબીઓ પાસેથી વચન લીધું (ખાસ કરીને) તમારાથી અને નૂહથી અને ઈબ્રાહીમથી અને મૂસાથી અને મરિયમના પુત્ર ઈસાથી અને અમે તેમનાથી વચન પણ પાકું અને મજબૂત લીધું.[1]
(૮) જેથી અલ્લાહ (તઆલા) સાચા લોકોને તેમની સચ્ચાઈના વિશે પૂછે અને ઈન્કાર કરનારાઓ માટે અમે દુઃખદાયી સજાઓ તૈયાર કરી રાખી છે. (ع-૧)