અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) અલિફ.લામ.રા., આ (સૌથી શ્રેષ્ઠ) કિતાબ અમે તમારા તરફ ઉતારી છે કે તમે લોકોને અંધકારમાંથી પ્રકાશ તરફ લાવો તેમના રબના હુકમથી, જબરજસ્ત પ્રશંસાવાળા અલ્લાહના માર્ગ તરફ.
(૨) બધુ અલ્લાહનું જ છે જે કંઈ આકાશો અને ધરતીમાં છે અને કાફિરોના માટે કઠોર વિનાશકારી સજા છે.
(૩) જેઓ આખિરતની સરખામણીમાં દુનિયાની જિંદગીને પસંદ કરે છે અને અલ્લાહના માર્ગથી રોકે છે અને તેને વાંકો કરવા ચાહે છે, આ લોકો દૂરની ગુમરાહીમાં છે.
(૪) અને અમે દરેક નબીને તેમની કોમની ભાષામાં જ મોકલ્યા છે જેથી એમના સામે સ્પષ્ટ રીતે વર્ણન કરી દે, હવે અલ્લાહ જેને ચાહે ભટકાવી દે અને જેને ચાહે માર્ગ દેખાડી દે, તે જબરજસ્ત હિકમતવાળો છે.
(૫) (યાદ કરો કે) અમે મૂસાને અમારી નિશાનીઓ આપી મોકલ્યા કે તમે પોતાની કોમને અંધકારમાંથી કાઢી પ્રકાશમાં લાવો, અને તેમને અલ્લાહના ઉપકાર યાદ દેવડાવો,[1] આમાં નિશાનીઓ છે દરેક સબ્ર કરનારાઓ અને આભાર માનનારાઓના માટે.
(૬) અને જે સમયે મૂસાએ પોતાની કોમને કહ્યું કે, “અલ્લાહના તે ઉપકાર યાદ કરો જે તેણે તમારા ઉપર કર્યા છે, જ્યારે કે તેણે તમને ફિરઔનના સાથીઓથી આઝાદ કર્યા, જે તમને ઘણું દુઃખ પહોંચાડતા હતા, તમારા પુત્રોને કતલ કરતા હતા અને તમારી પુત્રીઓને જીવતી છોડી દેતા હતા, આમાં તમારા રબ તરફથી તમારા પર ઘણી મોટી અજમાયશ હતી. (ع-૧)