Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૭૨) અને જયારે તમે એક જીવને કતલ કરી દીધો, પછી એકબીજા પર આરોપ મુકવા લાગ્યા, અને અલ્લાહને તમારી છુપાયેલી વાત જાહેર કરવી હતી.
(૭૩) અમે કહ્યું તે ગાયનો એક ટુકડો મડદાના શરીર પર મારો (તે જીવતો થઈ જશે) આ રીતે અલ્લાહ તઆલા મડદાને જીવતા કરીને તમારી અકલમંદી માટે નિશાનીઓ બતાવે છે.
(૭૪) ત્યારબાદ તમારા દિલ પથ્થર જેવા બલ્કે તેનાથી પણ વધારે સખત થઈ ગયા, કેટલાક પથ્થરોમાંથી તો નહેરો વહી નીકળે છે, તથા કેટલાક ફાટી જાય છે અને તેમાંથી પાણી નીકળે છે, અને કેટલાક અલ્લાહના ડરથી ગબડી પડે છે, અને તમે અલ્લાહ તઆલાને પોતાના અમલ (કાર્યો)થી બેખબર ન સમજો.
(૭૫) (હે મુસલમાનો!) શું તમે ઈચ્છો છો કે તેઓ (યહુદી) તમારૂ યકીન કરી લે, જો કે તેમનામાં એવા પણ છે જેઓ અલ્લાહની વાણી સાંભળે છે પછી એને સમજ્યા બાદ એને હેરફેર કરી દે છે, અને આવુ તેઓ જાણી જોઈને કરે છે.
(૭૬) અને જયારે ઈમાનવાળાઓને મળે છે તો પોતાની ઈમાનદારી જાહેર કરે છે, અને જયારે પરસ્પર મળે છે તો કહે છે કે મુસલમાનો સુધી કેમ તે વાતો પહોંચાડો છો જે અલ્લાહે તમને શીખવી છે, શું જાણતા નથી કે આ તો અલ્લાહના સામે તમારા પર એમની દલીલ થઈ જશે.
(૭૭) શું તેઓ નથી જાણતા કે અલ્લાહ તઆલા તેમની છુપી અને જાહેર બધી વાતોને જાણે છે.
(૭૮) અને તેમનામાંથી કેટલાક અભણ લોકો એવા પણ છે જેઓ ઉમ્મીદોના સિવાય કિતાબ નથી જાણતા અને ફક્ત ગુમાન કરે છે.
(૭૯) તે લોકો માટે બરબાદી છે, જેઓ પોતે પોતાના હાથે લખેલી કિતાબને અલ્લાહની કિતાબ કહે છે, અને આ રીતે દુનિયા (ધન) કમાય છે, પોતાના હાથોથી લખવાના કારણે તેમની બરબાદી છે અને પોતાની આ કમાઈના કારણે તેમનો વિનાશ છે.
(૮૦) અને આ લોકો કહે છે કે અમે તો થોડાક જ દિવસ જહન્તમ (નર્ક) માં રહીશું, (તેમને) કહો કે શું તમે અલ્લાહ તઆલાથી કોઈ વચન લીધુ છે?[34] જો છે તો બેશક અલ્લાહ તઆલા પોતાનું વચન તોડશે નહિં, અથવા તમે અલ્લાહના ઉપર તે વાતો લાગુ કરો છો જેને તમે નથી જાણતા.[35]
(૮૧ ) બેશક, જેણે પણ ગુનાહ (પાપ) કર્યા, અને તેના ગુનાહે તેને ઘેરી લીધો, તે જહન્નમી છે તે હંમેશા જહન્નમમાં રહેશે.
(૮૨) અને જે લોકો ઈમાન લાવ્યા અને સારા કર્મો કર્યા તેઓ જન્નતી છે તેઓ હંમેશા જન્નતમાં રહેશે.