Surah Al-Infitar
સૂરહ અલ-ઈન્ફિતાર
સૂરહ અલ-ઈન્ફિતાર
સૂરહ અલ-ઈન્ફિતાર (૮૨)
વિભાજન (ફાટી જવું)
સૂરહ અલ-ઈન્ફિતાર મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ઓગણીસ (૧૯) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) જ્યારે આકાશ ફાટી જશે.
(૨) અને જ્યારે તારાઓ ખરી પડશે.
(૩) અને જ્યારે સમુદ્રો વહી જશે.
(૪) અને જ્યારે કબરો (ફાડીને) ખોલી નાંખવામાં આવશે.
(૫) તે સમયે દરેક મનુષ્ય પોતાના આગળ મોકલેલા અને પાછળ છોડેલા (એટલે કે આગળ-પાછળના કર્મોને) જાણી લેશે.
(૬) હે મનુષ્ય! તને પોતાના દયાળુ રબથી કઈ વસ્તુએ ભટકાવી દીધો.[1]
(૭) જેણે તને પેદા કર્યો, પછી ઠીકઠાક કર્યો, પછી (યોગ્ય રીતે) સંતુલિત બનાવ્યો.
(૮) જે રૂપમાં ચાહ્યો તને બનાવી દીધો અને ઢાળી દીધો.[2]
(૯) કદાપિ નહિં, પરંતુ તમે લોકો તો સજા અને બદલાના દિવસને જૂઠાડો છો.
(૧૦) બેશક તમારા ઉપર રક્ષકો (પહેરેદારો)
(૧૧) પ્રતિષ્ઠિત લખવાવાળા નિર્ધારિત છે.
(૧૨) જે કંઈ તમે કરો છો તેઓ જાણે છે.
(૧૩) બેશક નેક લોકો (જન્નતના એશો-આરામ અને) નેઅમતોથી ફાયદો ઉઠાવવાવાળા હશે.
(૧૪) અને બેશક દુરાચારી લોકો જહન્નમમાં હશે.
(૧૫) બદલાના દિવસે તેઓ તેમાં જશે.
(૧૬) તેઓ તેમાંથી કદી પણ અદશ્ય નહિં થઈ શકે.
(૧૭) તમને કંઈ ખબર પણ છે કે બદલાનો દિવસ શું છે ?
(૧૮) હું ફરીથી (કહું છું કે) તમને શું ખબર કે બદલાનો (અને સજાનો) દિવસ શું છે ?
(૧૯) (તે એ દિવસ છે) જે દિવસે કોઈ વ્યક્તિને બીજા વ્યક્તિ માટે કોઈ વસ્તુનો અધિકાર નહિં હોય અને તમામ આદેશ તે દિવસે અલ્લાહના અધિકારમાં જ હશે. (ع-૧)