Surah Al-Mutaffifin
સૂરહ અલ-મુતફ્ફિફીન
સૂરહ અલ-મુતફ્ફિફીન
સૂરહ અલ-મુતફ્ફિફીન (૮૩)
છેતરપિંડી
સૂરહ અલ-મુતફ્ફિફીન[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં છત્રીસ (૩૬) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
[1] સૂરઃ મુતફ્ફિફીનઃ- કેટલાક લોકો આને મક્કી અને કેટલાક મદની કહે છે કેટલાકના મત મુજબ મક્કા અને મદીના વચ્ચે અવતરિત થઈ, આના અવતરણના બારામાં એ રિવાયત છે કે જયારે નબી (ﷺ) મદીનામાં આવ્યા તો મદીનાના લોકો તોલ-માપમાં ઘણા ખરાબ હતા, એટલા માટે અલ્લાહે આ સૂરહ ઉતારી. જેના પછી તેઓએ પોતાનો તોલ-માપ સુધારી લીધો.સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) વિનાશ છે તોલ-માપમાં ઓછું કરવાવાળાઓ માટે.
(૨) કે જ્યારે લોકો પાસેથી લે છે તો પુરેપુરું માપીને લે છે.
(૩) અને જયારે તેમને માપીને કે તોલીને આપે છે ત્યારે ઓછું આપે છે.
(૪) શું તેમને પોતાના મૃત્યુ પછી જીવતા થઈ ઊભા થવાનું યકીન નથી.
(૫) તે મહાન ભારે દિવસ માટે.
(૬) જે દિવસે બધા જ લોકો સમગ્ર દુનિયાના રબ સમક્ષ ઊભા હશે.
(૭) બેશક દુરાચારીઓની કર્મપોથીઓ 'સિજ્જીન' માં છે.[2]
(૮) તમને શું ખબર કે સિજ્જીન શું છે ?
(૯) (આ તો) લખાયેલ કિતાબ (દફતર) છે.
(૧૦) તે દિવસે જૂઠાડનારાઓ માટે વિનાશ છે.
(૧૧) જેઓ બદલા અને સજાના દિવસને જૂઠાડતા રહ્યા.
(૧૨) તેને ફક્ત તે જ જૂઠાડે છે જે હદથી વધી જનારો અને ગુનેહગાર હોય છે.
(૧૩) જ્યારે તેના પાસે અમારી આયતો પઢવામાં આવે છે તો કહી દે છે કે આ તો પહેલાના લોકોના કિસ્સાઓ છે.
(૧૪) એવું કંઈ નથી, પરંતુ તેમના દિલો પર તેમના દુષ્કર્મોના કારણે કાટ ચઢી ગયો છે.
(૧૫) એટલું જ નહિં, આ લોકો તે દિવસે પોતાના રબના દિદાર (દર્શન) થી પણ વંચિત (મહેરૂમ) રહેશે.[3]
(૧૬) પછી આ લોકો નિશ્ચિતરૂપે જહન્નમમાં ફેંકી દેવામાં આવશે.
(૧૭) પછી કહી દેવામાં આવશે કે આ જ તે છે જેને તમે જૂઠાડતા રહ્યા.
(૧૮) જરૂર સદાચારીઓ (નેક લોકો) ની કર્મપોથીઓ 'ઈલ્લીયીન'માં છે.[4]
(૧૯) તમને શું ખબર કે 'ઈલ્લીયીન' શું છે ?
(૨૦) (એ તો) લખાયેલી કિતાબ છે.
(૨૧) તેના નજીક નિકટવર્તી ફરિશ્તાઓ હાજર હોય છે.
(૨૨ ) બેશક સદાચારી લોકો ખૂબ જ આનંદમાં હશે.
(૨૩) ઊંચી બેઠકો ઉપર (બેસીને) જોઈ રહ્યા હશે.
(૨૪) તમે તેમના મોઢા ઉપરથી જ સુખોની તાજગીને ઓળખી લેશો.[5]
(૨૫) તેમને ખૂબ જ ચોખ્ખી શરાબ પીવડાવવામાં આવશે.[6]
(૨૬) જેના ઉપર કસ્તૂરીની મહોર લાગેલી હશે, ઈચ્છા કરવાવાળાઓએ તેની જ ઈચ્છા કરવી જોઈએ.
(૨૭) અને તેમાં 'તસ્નીમ' નું મિશ્રણ હશે.[7]
(૨૮) એટલે કે તે ઝરણું જેના પાણી સાથે નિક્ટવર્તી લોકો પીશે.
(૨૯) બેશક ગુનેહગાર લોકો ઈમાનવાળાઓનો મજાક ઉડાવતા હતા.
(૩૦) અને તેમના નજીકથી પસાર થતા તો આંખોના ઈશારાઓથી તેમની બેઈજ્જતી કરતા હતા.[8]
(૩૧) અને જ્યારે પોતાના કુટુંબીજનો તરફ પાછા ફરતા ત્યારે ખૂબ મજા લેતા હતા.
(૩૨) અને જ્યારે તેમને જોતા તો કહેતા કે બેશક આ લોકો જ ગુમરાહ છે.[9]
(૩૩) તેઓને તેમના ઉપર રક્ષક બનાવીને તો નથી મોકલવામાં આવ્યા.
(૩૪) તો આજે ઈમાનવાળાઓ તે કાફિરો ઉપર હસતા હશે.
(૩૫) આસનો ઉપર બેસીને જોઈ રહ્યા હશે.
(૩૬) કે હવે ઈન્કાર કરવાવાળાઓએ જેવું તેઓ કરતા હતા તેનો સંપૂર્ણ બદલો મેળવી લીધો.[10](ع-૧)