(૬૮) અને જેને અમે વૃદ્ધ કરી દઈએ તેને જન્મના સમયની હાલત તરફ બીજીવાર પાછો ફેરવી દઈએ છીએ, શું પછી પણ તેઓ સમજતા નથી ?
(૬૯) અને ન તો અમે આ પયગંબરને કવિતા શીખવાડી અને ન તો એને લાયક છે, આ તો ફક્ત શિખામણ અને સ્પષ્ટ કુરઆન છે.[1]
(૭૦) જેથી તે દરેક વ્યક્તિને ખબરદાર કરી દે જે જીવિત હોય અને કાફિરો પર સત્ય સાબિત થઈ જાય.
(૭૧) શું આ લોકો જોતા નથી કે અમે અમારા હાથોથી બનાવેલ વસ્તુઓમાંથી તેમના માટે ચોપાયા (પશુઓ) પેદા કરી દીધા, જેના આ લોકો માલિક થઈ ગયા છે ?[1]
(૭૨) અને તે જાનવરોને અમે એમના કાબૂમાં કરી દીધા છે,[1] તેમનામાંથી કોઈના ઉપર આ લોકો સવારી કરે છે અને કોઈનું માંસ ખાય છે.
(૭૩) અને તેમનામાં એમના માટે બીજા પણ ઘણાં ફાયદાઓ છે અને પીવાની વસ્તુઓ પણ. શું પછી (પણ) આ લોકો આભારી થતા નથી ?[1]
(૭૪) અને એમણે અલ્લાહના સિવાય બીજાઓને મા'બૂદ બનાવી લીધા છે એ આશાએ કે એમની મદદ કરવામાં આવે.
(૭૫) (જો કે) તેઓમાં આમની મદદ કરવાની તાકાત નથી પછી પણ (મૂર્તિપૂજકો) તેમની હાજર સેના છે.
(૭૬) એટલા માટે તમને એમની વાત ગમગીન ન કરે, અમે આમની છૂપી અને જાહેર તમામ વાતોને (સારી રીતે) જાણીએ છીએ.
(૭૭) શું મનુષ્ય જોતો નથી કે અમે તેને વિર્યમાંથી પેદા કર્યો છે ? પછી પણ તે ખુલ્લો ઝઘડાખોર બની બેઠો.
(૭૮) અને તેણે અમારા માટે ઉદાહરણ ઘડી લીધા છે અને પોતાની પેદાઈશને ભૂલી ગયો, કહેવા લાગ્યો કે, “આ સડેલા જર્જરિત હાડકાંઓને કોણ જીવતા કરી શકે છે ?”
(૭૯) કહી દો કે, “એમને તે જીવતા કરશે જેણે એમને પહેલી વખત પેદા કર્યા,[1] જે તમામ સૃષ્ટિની પેદાઈશને સારી રીતે જાણે છે.”
(૮૦) તે જ છે જેણે તમારા માટે લીલાછમ વૃક્ષમાંથી આગ પેદા કરી દીધી જેનાથી તમે આગ સળગાવો છો.
(૮૧) જેણે આકાશો અને ધરતીને પેદા કર્યા, શું તે આમના જેવાને પેદા કરવા માટે શક્તિમાન નથી ? કેમ નહીં અને તે જ તો પેદા કરનાર અને જાણનાર છે.
(૮૨) જ્યારે તે કોઈ વસ્તુનો ઈરાદો કરે છે તો તેનું આટલું કહી દેવું પૂરતું છે કે, “થઈ જા” તો તે તરત થઈ જાય છે.
(૮૩) પવિત્ર છે તે અલ્લાહ જેના હાથમાં દરેક વસ્તુનું રાજય છે અને તેના જ તરફ તમે બધા પાછા લઈ જવામાં આવશો.[1] (ع-૫)