(૧૬) આ કિતાબમાં મરયમની વાર્તાનું પણ વર્ણન કરો, જ્યારે કે તે પોતાના પરિવારના લોકોથી અલગ થઈને પૂર્વ તરફ આવી.
(૧૭) અને તે લોકો તરફથી પડદો કરી લીધો, પછી અમે તેના પાસે પોતાની રૂહ (જિબ્રઈલ અ.લ.સ.) ને મોકલ્યો તો તે તેના સામે એક સંપૂર્ણ મનુષ્ય બનીને ઉપસ્થિત થયો.
(૧૮) તે કહેવા લાગી કે “તારાથી રહમાન (દયાળુ) ની પનાહ માંગુ છું, જો તું થોડો પણ અલ્લાહથી ડરનાર છે.”
(૧૯) (તેણે) કહ્યું કે, “હું અલ્લાહનો મોકલેલ સંદેશાવાહક છું તને એક પવિત્ર પુત્ર આપવા આવ્યો છું.”
(૨૦) કહેવા લાગી કે, “ભલા મારે ત્યાં પુત્ર કેવી રીતે થઈ શકે છે ? મને તો કોઈ પુરૂષે હાથ સુધ્ધાં નથી લગાડ્યો અને ન હું બદકાર છું.”
(૨૧) તેણે કહ્યું વાત તો આ જ છે, (પરંતુ) તારા રબનો હુકમ છે કે આવું કરવું મારા માટે ઘણું સરળ છે, અમે તો તેને લોકો માટે એક નિશાની બનાવી દઈશું,[1] અને અમારા તરફથી ખાસ કૃપા,[2] અને આ કામ નક્કી થઈ ચૂક્યું છે.
(૨૨) પછી તે ગર્ભવતી થઈ ગઈ અને આના કારણે તે એકાગ્ર થઈ દૂરના સ્થળે ચાલી ગઈ.
(૨૩) પછી પ્રસૂતિની પીડા તેને એક ખજૂરના વૃક્ષના નીચે લઈ આવી, અને એકાએક મોઢાથી નીકળી ગયું કે, “હાય! હું આના પહેલા મરી ગઈ હોત અને લોકોની યાદથી ભૂલાઈ ગઈ હોત.”
(૨૪) એટલામાં તેને નીચેથી જ અવાજ આપી કે નિરાશ ન થા, તારા રબે તારા પગ નીચે એક ઝરણું વહેતુ કરી દીધું છે.
(૨૫) અને આ ખજૂરના થડને પોતાના તરફ હલાવ, એ તારા સામે તાજી પાકી ખજૂરો નાખી દેશે.
(૨૬) હવે નિર્ભય થઈને ખા અને પી અને આંખો ઠંડી રાખ, જો તને કોઈ મનુષ્ય દેખાય તો કહી દે કે મેં રહમાન (કૃપાળુ અલ્લાહ)ના નામનો રોઝો (ઉપવાસ) રાખ્યો છે, હું આજે કોઈ મનુષ્યથી વાત નહિં કરૂં.
(૨૭) હવે (હજરત ઈસા) ને લઈને પોતાની કોમમાં આવી, બધાએ કહ્યું કે, “મરયમ તેં ઘણું ખરાબ કામ કર્યું.
(૨૮) હે હારૂનની બહેન![1] ન તો તારો પિતા બૂરો માણસ હતો ન તારી માતા બદકાર હતી.”
(૨૯) (મરયમે) પોતાના પુત્ર તરફ ઈશારો કર્યો, બધા કહેવા લાગ્યા કે, “લો, અમે ખોળામાંના બાળક સાથે કેવી રીતે વાત કરીએ ? ”
(૩૦) (બાળક) બોલી ઊઠ્યું કે, “હું અલ્લાહ તઆલાનો બંદો છું, તેણે મને કિતાબ આપી છે અને મને પોતાનો દૂત (પયગંબર) બનાવ્યો છે.
(૩૧) અને તેણે મને બરકતવાળો બનાવ્યો છે જ્યાં પણ હું રહું, અને તેણે મને નમાઝ અને ઝકાતનો હુકમ આપ્યો છે, જ્યાં સુધી હું જીવતો રહું.
(૩૨) અને તેણે મને મારી માતાનો સેવક બનાવ્યો છે અને મને ઉદ્દંડ (સખત) અને દુર્ભાગી (કમનસીબ) નથી કર્યો.
(૩૩) અને મારા ઉપર મારા જન્મના દિવસે અને મારા મૃત્યુના દિવસે, અને જે દિવસે મને બીજીવાર જીવતો ઊભો કરવામાં આવશે, સલામ જ સલામ છે.”
(૩૪) આ છે સાચી વાર્તા ઈસા ઈબ્ને મરયમની, આ જ છે તે સાચી વાતો જેમાં લોકો શંકા તથા સંદેહમાં લિપ્ત છે.
(૩૫) અલ્લાહના માટે સંતાન હોવું જાઈઝ નથી તે તો ઘણો પવિત્ર છે, તે જ્યારે કોઈ કામને કરવાનો ઈરાદો કરે છે તો તેને કહે છે કે થઈ જા, તો તે જ સમયે તે થઈ જાય છે.
(૩૬) અને મારો અને તમારા સૌનો રબ અલ્લાહ તઆલા જ છે, તમે બધા તેની જ બંદગી કરો, આ જ સીધો માર્ગ છે.
(૩૭) પછી (આ) જૂથો પરસ્પર મતભેદ કરવા લાગ્યા,[1] પરંતુ કાફિરોના માટે તે સમય ભારે બરબાદીનો હશે જ્યારે તેઓ એક મોટો દિવસ જોશે.
(૩૮) કેવા સારા જોનારા અને સાંભળનારા હશે તે દિવસે જ્યારે કે તેઓ અમારા સમક્ષ હાજર થશે, પરંતુ આજે તો આ જાલિમ લોકો ખુલ્લી ગુમરાહીમાં પડેલા છે.
(૩૯) અને તમે તેમને આ દુઃખ અને નિરાશાના દિવસનો ડર સંભળાવી દો જ્યારે કે કામને અંજામ સુધી પહોંચાડી દેવામાં આવશે, અને આ લોકો ગફલત અને બેઈમાનીમાં જ રહી જશે.
(૪૦) બેશક ધરતીના અને ધરતી પર રહેનારાઓના વારસ અમે જ હોઈશું, અને તમામ લોકોને અમારા તરફ પાછા ફેરવવામાં આવશે. (ع-૨)