(૨૮) હે નબી! પોતાની પત્નીઓને કહી દો કે જો તમારી ઈચ્છા દુનિયાની જિંદગી અને દુનિયાની શોભાની છે તો આવો હું તમને કંઈક આપી-અપાવી દઉં અને તમને ભલાઈ સાથે છોડી દઉં.
(૨૯) અને જો તમારી ઈચ્છા અલ્લાહ અને તેના રસૂલ અને આખિરતનું ઘર છે તો (વિશ્વાસ કરો કે) તમારામાંથી નેક કામ કરવાવાળીઓ માટે અલ્લાહ (તઆલા)એ ઘણો સારો બદલો રાખી મૂક્યો છે.[1]
(૩૦) હે નબીની પત્નીઓ ! તમારામાંથી જે કોઈ ખુલ્લી બેશરમી કરશે તેને બમણો અઝાબ આપવામાં આવશે.[1] અલ્લાહ (તઆલા)ની નજીક આ ઘણી સરળ વાત છે.
(૩૧) અને તમારામાંથી જે કોઈ પણ અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞાપાલન કરશે અને નેક કામ કરશે, અમે તેને બમણો બદલો આપીશું અને તેના માટે અમે બહેતરીન રોજી તૈયાર કરી રાખી છે.
(૩૨) હે નબીની પત્નીઓ ! તમે સામાન્ય સ્ત્રીઓ જેવી નથી,[1] જો તમે અલ્લાહથી ડરવાવાળી હોવ તો નરમ લહેજામાં વાત ન કરો, કે જેના દિલમાં રોગ હોય તો તે કોઈ બૂરો ઈરાદો કરી લે, પરંતુ કાયદા મુજબ વાત કરો.
(૩૩) અને પોતાના ઘરોમાં ટકીને રહો,[1] અને અગાઉના અજ્ઞાનતાના જમાનાની જેમ પોતાના શણગારને જાહેર ન કરો, અને નમાઝ કાયમ કરતી રહો અને ઝકાત આપતી રહો અને અલ્લાહ અને તેના રસૂલના હુકમોનું પાલન કરો, અલ્લાહ (તઆલા) એ જ ઈચ્છે છે કે નબીની ઘરવાળીઓમાંથી[2] તે દરેક (પ્રકારની) અપવિત્રતા દૂર કરી દે અને તમને પવિત્ર કરી દે.
(૩૪) અને તમારા ઘરોમાં અલ્લાહ (તઆલા)ની જે આયતો અને રસૂલની હદીસો પઢવામાં આવે છે તેને યાદ કરતી રહો,[1] બેશક અલ્લાહ (તઆલા) સુક્ષ્મ દષ્ટિવાળો માહિતગાર છે. (ع-૪)