Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૦૪) હે ઈમાનવાળાઓ! તમે (નબી (ﷺ)ને) “રાઈના” (અમારૂ ધ્યાન રાખો અથવા અમારો ખ્યાલ કરો) ન કહ્યા કરો, પરંતુ “ઉન્ઝુરના'' (અમારી તરફ જુઓ) કહો.[41] અને સાંભળતા રહો અને કાફિરો માટે દુ:ખદાયી અઝાબ છે.
(૧૦૫) ન તો કિતાબવાળાઓના કાફિરો અને ન મૂર્તિપૂજકો ચાહે છે કે તમારા પર તમારા રબ તરફથી ભલાઈ ઉતરે (તેમની આ ઈર્ષાથી શું થયું?) અલ્લાહ (તઆલા) જેને ઈચ્છે પોતાની કૃપા ખાસ તરીકાથી આપી દે અને અલ્લાહ મોટો મહેરબાન છે.
(૧૦૬) જે આયતને અમે રદ કરીએ અથવા ભૂલાવી દઈએ તેનાથી સારી અથવા તેના જેવી બીજી લાવીએ છીએ,[42] શું તમે નથી જાણતા કે અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
(૧૦૭) શું તમને ખબર નથી કે ધરતી અને આકાશોની હુકૂમત અલ્લાહ માટે જ છે. અને અલ્લાહના સિવાય તમારો કોઈ સંરક્ષક (વલી) અને મદદગાર નથી.
(૧૦૮) શું તમે પોતાના રસૂલને એવા સવાલ કરવા ઈચ્છો છો જેવી રીતે આના પહેલા મૂસા (અ.સ.)ને પૂછવામાં આવ્યા?[43] (સાંભળો!) જે ઈમાનને કુફ્રથી બદલે છે તે સીધા રસ્તા પરથી ભટકી જાય છે.
(૧૦૯) આ કિતાબવાળાઓના ઘણા ખરા લોકો સત્ય જાહેર થઈ ગયા પછી પણ ફક્ત ઈર્ષા અને જલનના કારણે તમને પણ ઈમાનથી હટાવી દેવા ઈચ્છે છે, તમે પણ માફ કરો અને છોડી દો અહીં સુધી કે અલ્લાહ પોતાનો નિર્ણય લાગુ કરી દે. બેશક અલ્લાહ તઆલા દરેક કામ કરવાની કુદરત ધરાવે છે.
(૧૧૦) તમે નમાઝ કાયમ કરો અને ઝકાત (ધર્મદાન) આપતા રહો અને જે ભલાઈ તમે પોતાના માટે આગળ મોકલશો બધુ જ અલ્લાહની પાસે મેળવી લેશો, બેશક અલ્લાહ (તઆલા) તમારા કાર્યોને જોઈ રહ્યો છે.
(૧૧૧) અને તેઓ કહે છે કે જન્નતમાં યહૂદી અને ઈસાઈના સિવાય કોઈ જશે નહિં, આ ફક્ત તેમની તમન્નાઓ છે, તેમને કહો જો તમે સાચા હોવ તો કોઈ દલીલ તો રજૂ કરો.
(૧૧૨) સાંભળો! જેણે પોતાની જાત અલ્લાહને સોંપી દીધી, અને નેક છે તેના માટે તેના રબ પાસે બદલો છે અને ન તેના પર કોઈ ભય હશે ન કોઈ ગમ.