(૯૬) અને બેશક અમે જ મૂસાને અમારી નિશાનીઓ અને સ્પષ્ટ દલીલો સાથે મોકલ્યા હતા.
(૯૭) ફિરઔન અને તેના સરદારો તરફ, પછી પણ તે લોકોએ ફિરઔનના હુકમોનું પાલન કર્યુ અને ફિરઔનનો કોઈ હુકમ માન્ય અને સાચો હતો જ નહિં.
(૯૮) એ તો કયામત (પ્રલય)ના દિવસે પોતાની જાતિનો આગેવાન બની તે બધાને જહન્નમમાં લઈ જઈ ઊભા કરી દેશે[1] તે ઘણો બૂરો ઘાટ છે,[2] જેના ઉપર લાવીને ઊભા કરી દેવામાં આવશે.
(૯૯) અને તે લોકો ઉપર દુનિયામાં પણ લા'નત થઈ અને કયામતના દિવસે પણ, કેટલુ ખરાબ ઈનામ છે જે આપવામાં આવ્યું.
(૧૦૦) વસ્તીઓની આ થોડીક ખબરો જેનું અમે તમારા સામે વર્ણન કરી રહ્યા છીએ, તેમાંથી કેટલીક હાજર છે અને કેટલીક કપાયેલ ફસલ જેવી થઈ ગઈ છે.
(૧૦૧) અને અમે તેમના ઉપર કોઈ જુલમ નથી કર્યો, પરંતુ તેમણે પોતે જ પોતાના ઉપર જુલમ કર્યો, અને તેમને અનેક મા'બૂદોએ કોઈ ફાયદો નથી પહોંચાડ્યો, જેમને તેઓ અલ્લાહને છોડીને પોકારતા હતા, જયારે કે તમારા રબનો હુકમ આવી પહોંચ્યો, બલ્કે તેમણે પોતાનું જ નુકસાન વધારી દીધું.
(૧૦૨) અને તમારા રબની પકડનો આ જ નિયમ છે, જ્યારે તે વસ્તીઓમાં રહેનારા જાલિમોને પકડે છે, બેશક તેની પકડ પીડાકારી અને ઘણી સખત હોય છે.
(૧૦૩) બેશક, આમાં તે લોકો માટે નસીહત છે જેઓ કયામતના અઝાબથી ડરે છે તે દિવસે જેમાં બધાને ભેગા કરવામાં આવશે અને આ તે દિવસ છે જેમાં બધા લોકો હાજર કરવામાં આવશે.
(૧૦૪) અને તેને લાવવામાં અમે જે મોડું કરીએ છીએ તે ફક્ત એક નિર્ધારિત મુદ્દત સુધી છે.
(૧૦૫) જે દિવસે તે આવી જશે કોઈને હિમ્મત ન હશે કે અલ્લાહની પરવાનગી વગર કોઈ વાત પણ કરી લે, તો તેમનામાંથી કોઈ બદનસીબ હશે તો કોઈ ખુશનસીબ.
(૧૦૬) તો જેઓ બદનસીબ હશે તેઓ જહન્નમમાં હશે, ત્યાં તેમની ધીમી અને ઊંચી ચીખ હશે.
(૧૦૭) તેઓ હંમેશા તેમાં જ રહેશે, જ્યાં સુધી આકાશ અને ધરતી કાયમ રહે[1] સિવાય તે સમયના જે તમારા રબની મરજી હોય, બેશક તમારો રબ જે કંઈ ઈચ્છે છે તે કરી નાખે છે.
(૧૦૮) અને જેઓ ખુશનસીબ હશે તેઓ જન્નતમાં હશે, ત્યાં તેઓ હંમેશા રહેશે જ્યાં સુધી આકાશ અને ધરતી કાયમ રહે, પરંતુ જે તમારો રબ ચાહે, આ ખતમ ન થનારી બક્ષિશ છે.
(૧૦૯) એટલા માટે તમે તે વસ્તુઓની શંકા કુશંકામાં ન રહો, જેને આ લોકો પૂજી રહ્યા છે, તેમની બંદગી તો એવી રીતે છે જેવી રીતે તેમના બાપ-દાદાઓની આના પહેલા હતી, અમે તે બધાને પૂરેપૂરો હિસ્સો આપીશું કોઈ પણ જાતની કસર વગર. (ع-૯)