(૧૧) અને કાફિરોએ ઈમાનવાળાઓ વિશે કહ્યું કે જો આ (ધર્મ) સારો હોત તો આ લોકો તેના તરફ અમારાથી પહેલ કરી ન શકતા અને જો કે તેમણે કુરઆનથી માર્ગદર્શન નથી મેળવ્યું, નહીં તો એવું કહી દેશે કે આ તો જૂનું જૂઠ છે.
(૧૨) અને આના પહેલા મૂસાની કિતાબ માર્ગદર્શક અને કૃપા બનીને આવી હતી, અને આ કિતાબ છે સમર્થન કરનારી અરબી ભાષામાં જેથી જાલિમોને ડરાવે અને પરહેઝગારોના માટે ખુશખબર હોય.
(૧૩) બેશક જે લોકોએ કહ્યું કે અમારો રબ અલ્લાહ છે પછી તેના પર મક્કમ રહ્યા, તો તેમના પર ન તો કોઈ ડર હશે અને ન તેઓ ગમગીન હશે.
(૧૪) આ તો જન્નતમાં જનારા લોકો છે જેમાં તેઓ હંમેશા રહેશે તે કર્મોના બદલામાં જેને તેઓ કર્યા કરતા હતા.
(૧૫) અને અમે મનુષ્યને પોતાના માતા-પિતા સાથે સદ્વ્યવહાર કરવાનો આદેશ આપ્યો છે, તેની માતાએ તેને દુઃખ સહન કરીને પેટમાં રાખ્યો અને દુઃખ સહન કરીને તેને જન્મ આપ્યો,[1] તેના ગર્ભ ધારણ અને તેના દૂધ છોડાવવાની મુદ્દત ત્રીસ મહિનાની છે.[2] ત્યાં સુધી કે જ્યારે તે પોતાની પૂરી ઉંમર અને ચાલીસ વર્ષની ઉંમર સુધી પહોંચ્યો તો કહેવા લાગ્યો કે, “હે મારા રબ! મને સદબુદ્ધિ (તૌફીક) આપ કે હું તારા તે ઉપકારોનો આભાર માનું જે તેં મારા પર અને મારા માતા-પિતા પર કર્યા છે અને એ કે હું એવા નેક કામો કરૂં જેનાથી તું રાજી થઈ જાય અને તું મારી સંતાનને પણ નેક બનાવ, હું તારા તરફ રુજૂ થાઉ છું અને હું મુસલમાનોમાંથી છું.”
(૧૬) આ જ તે લોકો છે જેમના નેક કામો અમે સ્વીકારીએ છીએ અને જેમના બૂરા કામોને માફ કરી દઈએ છીએ, (આ લોકો) જન્નતમાં જનારા લોકોમાંથી છે. તે સાચા વાયદા અનુસાર જે તેમના સાથે કરવામાં આવતો હતો.
(૧૭) અને જેણે પોતાના માતા-પિતાને કહ્યું કે, “ઉફ્ફ છે તમારા બંને પર (તમારાથી હું તંગ આવી ગયો), તમે મને એ જ કહેતા રહેશો કે (મારા મરી ગયા પછી બીજીવાર) મને જીવતો કરવામાં આવશે ? મારા પહેલા પણ ઘણા સમુદાય પસાર થઈ ચૂક્યા છે, તે બંને અલ્લાહના દરબારમાં વિનંતી કરે છે (અને કહે છે) કે, “તારી ખરાબી થાય, તું ઈમાનવાળો બની જા, બેશક અલ્લાહનો વાયદો સાચો છે”, તે જવાબ આપે છે, “આ તો માત્ર પહેલાના લોકોના કિસ્સાઓ છે.”[1]
(૧૮) (આ જ) તે લોકો છે જેમના પર અલ્લાહ (ના અઝાબ)નો વાયદો સાચો થઈ ગયો, તે જિન્નાતો અને મનુષ્યોના જૂથો સાથે જે તેમના પહેલા પસાર થઈ ગયા છે, આ લોકો નિશ્ચિતરૂપે નુકસાનમાં હતા.
(૧૯) અને પ્રત્યેકને પોત-પોતાના કર્મો મુજબ દરજ્જો મળશે જેથી તેમને તેમના કર્મોનો પૂરેપૂરો બદલો આપે અને તેમના પર જુલમ કરવામાં નહિં આવે.
(૨૦) અને જે દિવસે કાફિરોને જહન્નમના કિનારા પર લાવવામાં આવશે (કહેવામાં આવશે) કે, “તમે પોતાની નેકી દુનિયાના જીવનમાં જ નષ્ટ કરી દીધી અને તેનાથી ફાયદો ઉઠાવી ચૂક્યા, તો આજે તમને અપમાનજનક અઝાબનો દંડ આપવામાં આવશે, એ કારણે કે તમે ધરતી પર અહંકાર કરતા હતા અને એ કારણથી પણ કે તમે હુકમોનું પાલન કરતા ન હતા. (ع-૨)