(૫૯) અને કાફિરો એવો ખ્યાલ ન કરે કે તેઓ નાસી છૂટ્યા, બેશક તેઓ મજબૂર નથી કરી શકતા.
(૬૦) અને તમે તેમના સાથે (લડવા માટે) પોતાની ક્ષમતા પ્રમાણે તાકાત તૈયાર કરો, અને ઘોડા તૈયાર રાખવાની પણ,[1] કે જેથી તમે અલ્લાહના દુશ્મનોને ડરાવી શકો અને તેમના સિવાય બીજાઓને પણ જેમને તમે નથી જાણતા, અલ્લાહ તેમને સારી રીતે જાણે છે, અને જે કંઈ પણ અલ્લાહના માર્ગમાં ખર્ચ કરશો, તેનું તમને પૂરેપૂરું વળતર આપવામાં આવશે, અને તમારા હકોનું નુકસાન કરવામાં નહિં આવે.
(૬૧) અને જો તેઓ સમાધાન તરફ ઝુકે, તો તમે પણ સમાધાન તરફ ઝુકી જાઓ, અને અલ્લાહ ઉપર ભરોસો રાખો, બેશક તે બધું જ સાંભળનાર, જાણનાર છે.
(૬૨) અને જો તેઓ તમારા સાથે વિશ્વાસઘાત કરવા ચાહે તો અલ્લાહ તમારા માટે પૂરતો છે, તેણે જ પોતાની મદદથી અને ઈમાનવાળાઓ વડે તમારું સમર્થન કરાવ્યું છે.
(૬૩) અને તેમના દિલોમાં પરસ્પર મોહબ્બત પણ તેણે પેદા કરી છે, જો તમે ધરતીની સમગ્ર વસ્તુઓ ખર્ચ કરી દેતા તો પણ તેમના દિલોમાં મોહબ્બતની લાગણી પેદા ન કરી શકતા,[1] પરંતુ અલ્લાહે તેમના દિલોમાં મોહબ્બત નાખી દીધી, બેશક તે પ્રભુત્વશાળી, હિકમતવાળો છે.
(૬૪) અય નબી ! તમને અને તમારા મુસલમાન અનુયાયીઓને અલ્લાહ પૂરતો છે. (ع-૮)