(૫૨) કહી દો કે, “મારા અને તમારા વચ્ચે અલ્લાહ (તઆલા)નું ગવાહ હોવું પુરતું છે, તે આકાશો અને ધરતીની દરેક વસ્તુઓને જાણનાર છે, જે લોકો અસત્યને માનવાવાળા છે અને અલ્લાહ (તઆલા)થી કુફ્ર કરવા લાગે છે, તેઓ જ ઘણા નુકસાનમાં રહેનારા છે.
(૫૩) અને આ લોકો તમારા પાસે અઝાબની ઉતાવળ કરી રહ્યા છે, જો અમારા તરફથી નિર્ધારિત સમય ન હોત તો અત્યાર સુધીમાં તો આ લોકો પાસે અઝાબ આવી ચૂક્યો હોત, આ વાત નિશ્ચિત છે કે અચાનક આમની અજાણતામાં આમના પાસે અઝાબ આવી પહોંચશે.
(૫૪) આ લોકો અઝાબની ઉતાવળ કરી રહ્યા છે અને જહન્નમ કાફિરોને ઘેરી લેનાર છે.
(૫૫) તે દિવસે તેમના ઉપર નીચેથી તેમને અઝાબ ઢાંકી રહ્યો હશે અને અલ્લાહ મહાન ફરમાવશે કે હવે પોતાના બૂરા કામોની મજા ચાખો.
(૫૬) હે મારા ઈમાનવાળા બંદાઓ! મારી ધરતી ઘણી વિશાળ છે, તો તમે મારી જ બંદગી કરો.
(૫૭) પ્રત્યેક જીવને મૃત્યુનો સ્વાદ ચાખવાનો છે અને તમે બધા અમારા તરફ જ પાછા ફેરવવામાં આવશો.
(૫૮) અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામ પણ કર્યા, અમે તેમને નિશ્ચિતરૂપે જન્નતના તે ઊંચા મહેલોમાં જગ્યા આપીશું, જેના નીચે નહેરો વહેતી હશે જેમાં તેઓ હંમેશા રહેશે, નેક કામ કરનારાઓનો કેવો ઉત્તમ બદલો છે.
(૫૯) તે લોકો જેઓ સબ્ર કરે છે અને પોતાના રબ ઉપર ભરોસો કરે છે.
(૬૦) અને કેટલાક જાનવરો એવા છે જે પોતાની રોજી પીઠો પર લાદેલા નથી ફરતા, તે બધાને અને તમને પણ અલ્લાહ જ રોજી આપે છે તે ખૂબ સાંભળનાર અને જાણનાર છે.
(૬૧) અને જો તમે એમને પૂછો કે, “ધરતી અને આકાશોનો સર્જનહાર અને સૂર્ય તથા ચંદ્રને કામે લગાડનાર કોણ છે?” તો એમનો જવાબ એ જ હશે કે, “અલ્લાહ (તઆલા)”[1] તો પછી ક્યાંથી ભટકી રહ્યાં છો?
(૬૨) અલ્લાહ (તઆલા) જ પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે વધારે રોજી આપે છે અને જેને ચાહે ઓછી, બેશક અલ્લાહ (તઆલા) દરેક વસ્તુનો જાણકાર છે.
(૬૩) અને જો તમે એમને પૂછશો કે, “આકાશમાંથી પાણી વરસાવી ધરતીને તેના મૃત્યુ પછી જીવતી કરવાવાળો કોણ છે?” તો બેશક તેમનો જવાબ એ જ હશે કે, “અલ્લાહ (તઆલા)” તમે કહી દો કે, “તમામ પ્રશંસા અલ્લાહ માટે જ છે”, બલ્કે આમાંના મોટાભાગના લોકો બુદ્ધિ ધરાવતા નથી.[1] (ع-૬)