Surah At-Takwir
સૂરહ અત્-તકવીર
સૂરહ અત્-તકવીર
સૂરહ અત્-તકવીર (૮૧)
લપેટી લેવું
સૂરહ અત્-તકવીર[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ઓગણત્રીસ (૨૯) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
[1] સૂરઃ તકવીરઃ- આ સૂરહમાં ખાસ કરીને કયામતનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલા માટે રસૂલુલ્લાહ (ﷺ) નું કથન છે કે જે વ્યક્તિ ઈચ્છે કે કયામતને એવી રીતે જૂએ જેવી રીતે આંખોથી જોવામાં આવે, તો તેને જોઈએ કે તે (إِذَا الشَّمۡسُ كُوِّرَتۡ) અને (إِذَا السَّمَآءُ انفَطَرَتْ ) ધ્યાનથી પઢે. (તિર્મિજી, તફસીર સૂરઃ તકવીર, મુસનદ અહમદ 2/27, 36, 100, ઝકરહુલ અલબાની ફિસ સહીહા 1081, ભાગ-3)સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) જ્યારે સૂર્યને લપેટી દેવામાં આવશે.[2]
(૨) અને જ્યારે તારાઓ પ્રકાશ વગરના થઈ જશે.
(૩) અને જયારે પર્વતો ચલાવવામાં આવશે.
(૪) અને જ્યારે ગાભણી ઊંટણીઓ છોડી મૂકવામાં આવશે.[3]
(૫) અને જ્યારે જંગલી પશુઓ (હિંસક) ભેગા કરવામાં આવશે.
(૬) અને જ્યારે સમુદ્રોને સળગાવી દેવામાં આવશે.
(૭) અને જ્યારે પ્રાણો (રૂહો) ને જોડી દેવામાં આવશે.
(૮) અને જ્યારે જીવતી દાટી દેવામાં આવેલી બાળકીને પૂછવામાં આવશે.
(૯) કે કયા ગુનાહોના કારણે તેને મારી નાંખવામાં આવી ?
(૧૦) અને જ્યારે કર્મપોથી (આમાલનામું) ખોલી નાંખવામાં આવશે[4]
(૧૧) અને જ્યારે આકાશનું આવરણ ખેંચી લેવામાં આવશે.[5]
(૧૨) અને જયારે જહન્નમને ભડકાવવામાં આવશે.
(૧૩) અને જ્યારે જન્નતને નજીક લાવી દેવામાં આવશે.
(૧૪) તો તે દિવસે દરેક મનુષ્ય જાણી લેશે, જે કંઈ લઈને આવ્યો હશે.
(૧૫) હું સોગંદ ખાઉં છું પાછળ હટવાવાળા.
(૧૬) હરવા-ફરવાવાળા, છૂપાઈ જનારા તારાઓના.
(૧૭) અને રાત્રિના જયારે તે વિદાય થાય.[6]
(૧૮) અને સવારના જ્યારે તે પ્રકાશવા માંડે.
(૧૯) બેશક આ એક પ્રતિષ્ઠિત રસૂલનું કથન (વાણી) છે.
(૨૦) જે તાકતવર છે, અર્શવાળા (અલ્લાહ)ના પાસે ઉચ્ચ દરજ્જાવાળો છે.
(૨૧) જેનું ત્યાં (આકાશો પર આજ્ઞાનું) પાલન કરવામાં આવે છે અને (તે) ભરોસાપાત્ર (અમીન) છે.
(૨૨) અને તમારો સાથી દીવાનો નથી.[7]
(૨૩) તેણે તે (ફરિશ્તા) ને આકાશના ખુલ્લા કિનારા (ક્ષિતિજ) પાસે પણ જોયો છે.
(૨૪) અને આ (નબી) ગૈબની વાતો બતાવવામાં કંજૂસ પણ નથી.[8]
(૨૫) અને આ (કુરઆન) હડધૂત શેતાનની વાણી નથી.
(૨૬) પછી તમે લોકો કઈ તરફ જઈ રહ્યા છો ?
(૨૭) આ તો સમગ્ર દુનિયાવાળાઓ માટે નસીહત છે.
(૨૮) (ખાસ કરીને તેમના માટે) જેઓ તમારામાંથી સીધા માર્ગ પર ચાલવા ઈચ્છે.
(૨૯) અને તમે સમગ્ર સૃષ્ટિના રબની ઈચ્છા વગર કંઈ ચાહી શકતા નથી.[9](ع-૧)