Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૩૦) અને જયારે તમારા રબે ફરિશ્તાઓને કહ્યું[15] કે, હું ધરતીમાં એક નાયબ[16] (એવો ગિરોહ જે એક-બીજાના પછી આવશે) બનાવવા જઈ રહ્યો છું, તો એમણે કહ્યું શું તુ એવા લોકોને પેદા કરીશ જે એમાં ફસાદ અને ખૂનામરકી (ખૂન ખરાબી) કરે, અને અમે તારા વખાણ (પ્રશંસા)ની સાથે તારી પવિત્રતાનું વર્ણન કરીએ છીએ, એણે કહ્યું જે હું જાણું છું તે તમે નથી જાણતા.
(૩૧) અને તેણે (અલ્લાહ તઆલાએ) આદમને બધી વસ્તુઓના નામ શીખવ્યા પછી તે વસ્તુઓને ફરિશ્તાઓ સમક્ષ રજૂ કરી દીધી અને ફરમાવ્યું કે જો તમે સાચા હોવ તો આ વસ્તુઓના નામ બતાવો.
(૩૨) એ તમામે કહ્યું, હે અલ્લાહ! તુ પવિત્ર હસ્તી છે, અમને તો બસ એટલું જ જ્ઞાન છે જેટલું તેં અમને શીખવ્યું છે, સંપૂર્ણ જ્ઞાન અને હિકમત (ડહાપણ) વાળો તું જ છે
(૩૩) અલ્લાહ તઆલાએ આદમ (અ.સ.)ને ફરમાવ્યું, “તમે એના નામ બતાવી દો.” જયારે તેમણે બતાવી દીધા, તો ફરમાવ્યું શું મેં તમને પહેલા નહોતું કહ્યું કે હું આકાશો અને ધરતીના ગૈબ (અદૃશ્ય)ને જાણું છું અને જે તમે કરો છો અને છુપાવો છો તેને પણ હું જાણું છું
(૩૪) અને જયારે અમે ફરિશ્તાઓને કહ્યું કે આદમને સિજદો કરો, તો ઈબ્લીસના સિવાય બધાએ સિજદો કર્યો. એણે ઈન્કાર કર્યો અને ઘમંડ કર્યો[17] અને તે હતો જ કાફિરોમાંથી.[18]
(૩૫) અને અમે કહી દીધું, હે આદમ! તમે અને તમારી પત્ની જન્નત (સ્વર્ગ)માં રહો અને જયાંથી ઈચ્છો પેટ ભરીને ખાઓ-પીઓ, પરંતુ આ ઝાડ[19] પાસે ન જશો, નહિતર જાલિમ થઈ જશો.
(૩૬) પરંતુ શયતાને તેમને ફોસલાવીને ત્યાંથી કઢાવી જ દીધા, અને અમે કહી દીધું કે, “ઉતરો, તમે એકબીજાના દુશ્મન છો, અને તમારે એક નિર્ધારિત મુદ્દત સુધી ધરતી પર રોકાવાનું અને ફાયદો ઉઠાવવાનો છે".
(૩૭) આદમ (અ. સ.) એ પોતાના પાલનહાર પાસેથી કેટલીક વાતો શીખી લીધી (અને અલ્લાહથી તૌબા (ક્ષમા યાચના) કરી) તેણે તેમની તૌબા કબૂલ કરી લીધી, બેશક તે જ તૌબા કબૂલ કરવાવાળો મહેરબાન છે.
(૩૮) અમે કહ્યું તમે બધા અહીંથી ઉતરો, પછી જો તમારા પાસે મારા તરફથી હિદાયત (માર્ગદર્શન) આવે તો જેઓ મારા સાચા માર્ગને અપનાવશે તેમના પર ન કોઈ ડર હશે ન તેઓ ઉદાસ હશે.
(૩૯) અને જેઓ કુફ્ર તેમજ જૂઠ વડે અમારી આયતોને ખોટી ઠેરવશે, તેઓ જહન્નમ (નર્ક)માં રહેનારા છે, અને હંમેશા તેમાં રહેશે.