(૬૬) અને મનુષ્ય કહે છે કે, “જ્યારે હું મરી જઈશ તો શું મને ફરીથી જીવતો કરીને કાઢવામાં આવશે ? ”
(૬૭) શું આ મનુષ્ય એટલું પણ યાદ નથી રાખતો કે અમે તેને આના પહેલા પેદા કર્યો, જ્યારે કે તે કંઈ જ ન હતો ?
(૬૮) તમારા રબના સોગંદ ! અમે તેમને અને શેતાનોને ભેગા કરીને જરૂર જહન્નમના ફરતે ઘૂંટણભેર હાજર કરી દઈશું.
(૬૯) પછી અમે દરેક જૂથોમાંથી તેમને અલગ કાઢી લઈશું, જેઓ રહમાનથી ઘણા અકડાઈને ફરતા હતા.
(૭૦) પછી અમે તેમને પણ સારી રીતે જાણીએ છીએ જેઓ જહન્નમમાં દાખલ થવાને વધારે લાયક છે.
(૭૧) અને તમારામાંથી દરેક ત્યાં જરૂર હાજર થવાનો છે, આ એક નિર્ધારિત કરેલ વાત છે જેને પૂરી કરવા તમારા રબના શિરે છે.
(૭૨) પછી અમે પરહેઝગારોને બચાવી લઈશું અને જુલમ કરનારાઓને તેમાં જ ઘૂંટણભેર પડેલા છોડી દઈશું.[1]
(૭૩) અને જ્યારે તેમના સામે અમારી સ્પષ્ટ આયતો પઢવામાં આવે છે તો કાફિરો મુસલમાનોને કહે છે (બતાવો) આપણા બંને જૂથોમાંથી કોનો માન-મર્તબો વધારે છે અને કોની બેઠકો (સભાઓ) વધારે શાનદાર છે ?
(૭૪) અને અમે તો આમના પહેલા ઘણી ઉમ્મતો બરબાદ કરી ચૂક્યા છીએ, જે સાધન-સંપન્ન અને બાહ્ય ઠાઠ- માઠમાં આમનાથી ચઢિયાતી હતી.
(૭૫) કહી દો કે, “જે ભટકાવમાં હોય છે રહમાન તેને ઘણી ઢીલ આપે છે, ત્યાં સુધી કે તેઓ તે વસ્તુને જોઈ લે જેનો વાયદો કરવામાં આવ્યો છે, એટલે કે અઝાબ અથવા કયામતનો, તે સમયે તેમને સારી રીતે જાણ થઈ જશે કે કોની સ્થિતિ ખરાબ છે અને કોનું જૂથ નબળું છે.”
(૭૬) અને હિદાયત પામેલા લોકોને અલ્લાહ હિદાયતમાં આગળ વધારે છે અને બાકી રહેનારી નેકી તમારા રબના નજદીક બદલા અને પરિણામની દષ્ટિએ ઉત્તમ છે.
(૭૭) શું તમે તેને પણ જોયો છે જેણે અમારી આયતોના સાથે કુફ્ર કર્યુ અને કહ્યું કે મને તો માલ અને સંતાન જરૂર આપવામાં આવશે ?
(૭૮) શું તે ગૈબ (પરોક્ષ) નું ઈલ્મ ધરાવે છે અથવા અલ્લાહ પાસે કોઈ વાયદો લઈ ચૂકયો છે?
(૭૯) કદાપિ નહિ, આ જે કંઈ કહી રહ્યો છે અમે તેને જરૂર લખી લઈશું, અને તેના માટે સજા વધારતા જઈશું.
(૮૦) અને આ જે વસ્તુના વિશે કહી રહ્યો છે તેને અમે તેના પછી લઈ લઈશું, અને આ એકલો જ અમારા સામે હાજર થશે.
(૮૧) તેમણે અલ્લાહના સિવાય બીજા મા'બૂદ બનાવી રાખ્યા છે કે તેઓ તેમના માટે ઈજ્જતનું કારણ હોય.
(૮૨) પરંતુ એવું કદી પણ નહિ બને, તે બધા તેમની બંદગીથી ફરી જશે, અને ઊલ્ટા તેમના દુશ્મન બની જશે. (ع-૫)