(૪૫) અને તેમના માટે દુનિયાની જિંદગીનું ઉદાહરણ પણ વર્ણન કરો, જેમકે પાણી, જેને અમે આકાશમાંથી ઉતારીએ છીએ, તેનાથી ધરતીની ઉપજ ખૂબ જ ગીચ થાય છે, પછી છેવટે તે ભૂંસુ થઈ જાય છે જેને હવાઓ ઉડાવતી ફરે છે, અને અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર સામર્થ્ય ધરાવે છે.[1]
(૪૬) ધન અને સંતાન તો દુનિયાની જિંદગીનો શણગાર છે[1] પરંતુ બાકી રહેનારી નેકી તારા રબના નજદીક બદલા માટે તથા (ભવિષ્યની) સારી આશાઓના માટે ઘણી બહેતર છે.
(૪૭) અને જે દિવસે અમે પહાડોને ચલાવીશું અને ધરતીને તમે સાવ ખુલ્લી જોશો અને તમામ મનુષ્યોને અમે એવી રીતે જમા કરીશું કે તેમનામાંથી કોઈને પણ બાકી નહિ છોડીએ.
(૪૮) આ તમામ લોકો તમારા રબના સામે કતારબધ્ધ હાજર કરવામાં આવશે, બેશક તમે અમારા સામે એવી રીતે આવ્યા જેવી રીતે અમે તમને પહેલી વખત પેદા કર્યા હતા, પરંતુ તમે તો એમ જ સમજતા રહ્યા કે અમે કદી તમારા માટે કોઈ વાયદાનો દિવસ નિર્ધારિત નથી કર્યો.
(૪૯) અને કર્મપોથી સામે મૂકી દેવામાં આવશે, પછી તમે જોશો કે ગુનેહગારો તેના લખાણથી ડરી રહ્યા હશે, અને કહી રહ્યા હશે કે, “હાય અમારું દુર્ભાગ્ય ! આ કેવો લેખ છે જેમાં કોઈ નાની-મોટી વાત નથી છોડી, અને જે કંઈ તેમણે કર્યુ હતુ તે બધું જ હાજર પામશે, અને તમારો રબ કોઈના પર જુલમ અને અન્યાય નહિ કરે.” (ع-૬)