(૪૦) બેશક જે લોકોએ અમારી આયતોને જૂઠાડી અને તેનાથી ઘમંડ કર્યો તેમના માટે આકાશના દરવાજા ખોલવામાં નહિ આવે, અને તેઓ જન્નતમાં દાખલ નહિં થઈ શકે જ્યાં સુધી ઊંટ સોયના નાકામાંથી પસાર ન થઈ જાય [1] અને અમે ગુનેહગારોને આ પ્રમાણે બદલો આપીએ છીએ.
(૪૧) તેમના માટે જહન્નમની આગનું પાથરણું હશે અને તેમના ઉપર તેનું જ ઓઢવાનું હશે અને અમે જાલિમોને આવી જ સજા આપીએ છીએ.
(૪૨) અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામો કર્યા, અમે કોઈ જીવને તેની તાકાત મુજબ જ જવાબદેહ બનાવીએ છીએ, તેઓ જ જન્નતી છે જયાં તેઓ હંમેશા રહેશે.
(૪૩) અને અમે તેમના દિલોના કપટને દૂર કરી દઈશું, તેમના નીચે નદીઓ વહેતી હશે અને તેઓ કહેશે, “સર્વ વખાણ અલ્લાહના માટે છે જેણે અમને તેના માર્ગ પર લગાવ્યા, જો તે હિદાયત ન આપતો તો અમે પોતે માર્ગ પામી ન શકતા, ખરેખર અમારા રબના રસૂલ સત્ય સાથે આવ્યા અને તેમને પોકારીને કહેવામાં આવશે કે, “પોતાના કર્મોના બદલામાં તમને આ જન્નતના હકદાર બનાવી દેવામાં આવ્યા.”
(૪૪) અને જન્નતવાસીઓ જહન્નમવાસીઓને પોકારશે કે અમે અમારા રબના વાયદાઓને જે અમારા સાથે કર્યા હતા સાચા જોયા, તો શું તમારા સાથે તમારા રબે જે વાયદાઓ કર્યા હતા તેને સાચા જોયા ? [1] તેઓ કહેશે, “હા”, પછી એક પોકારનાર તેમના વચ્ચે પોકારશે કે, “અલ્લાહની લા'નત (ધિક્કાર) જાલિમો પર છે.
(૪૫) જેઓ પોતાના રબના માર્ગથી રોકવા અને તેને વાંકો કરવા ચાહેછે અને તેઓ આખિરતનો પણ ઈન્કાર કરે છે.”
(૪૬ ) અને તે બંને વચ્ચે એક પડદો હશે [1] અને “અઅ્.રાફ” પર કેટલાક પુરૂષો હશે [2] જે દરેકને તેમની નિશાનીઓ પરથી ઓળખી લેશે, અને જન્નતીઓને પોકારશે કે, “તમારા ઉપર સલામતી થાય.” તેઓ તેમાં (જન્નતમાં) દાખલ નહિં થઈ શક્યા હોય પરંતુ તેના ઉમ્મીદવાર હશે.
(૪૭) અને જ્યારે તેમની આંખો જહન્નમવાસીઓ ઉપર પડશે (ત્યારે) કહેશે કે, “અમારા રબ! અમને જાલિમોના સાથે ન કરીશ.” (ع-૫)