(૧૦) બેશક જે લોકોએ કુફ્ર કર્યુ તેમને પોકારીને કહેવામાં આવશે કે, ચોક્કસ અલ્લાહનું તમારા ઉપર નારાજ થવું તેનાથી ઘણું વધારે છે, જે તમે (પોતાના મનથી) નારાજ થતા હતા, જ્યારે તમને ઈમાન તરફ બોલાવવામાં આવતા હતા. પછી તમે ઈન્કાર કરતા હતા.[1]
(૧૧) (તેઓ) કહેશે કે, “હે અમારા રબ! તેં અમને બે વખત માર્યા અને બે વખત જીવતા કર્યા, હવે અમે અમારા ગુનાહોને કબૂલ કરીએ છીએ, તો શું હવે અહીંથી નીકળવાનો કોઈ માર્ગ પણ છે ?”
(૧૨) આ (અઝાબ) તમને એટલા માટે છે કે જયારે ફક્ત એક અલ્લાહ તરફ બોલાવવામાં આવતા તો તમે ઈન્કાર કરી દેતા હતા, અને જો તેના સાથે કોઈને સામેલ કરી લેવામાં આવતા તો તમે માની લેતા હતા,[1] તો હવે ફેંસલો અલ્લાહ સર્વોચ્ચ અને મહાનનો જ છે.
(૧૩) તે જ છે જે તમને પોતાની નિશાનીઓ દેખાડે છે અને તમારા માટે આકાશમાંથી રોજી ઉતારે છે. નસીહત તો તે જ પ્રાપ્ત કરે છે જે (અલ્લાહ તરફ) વળનાર હોય.
(૧૪) તમે અલ્લાહને જ પોકારતા રહો તેના માટે ધર્મને વિશિષ્ટ કરીને, ભલેને કાફિરોને ખરાબ લાગે.[1]
(૧૫) ઉચ્ચ દરજ્જાવાળો, અર્શનો માલિક! તે પોતાના બંદાઓમાંથી જેના ઉપર ચાહે પોતાની આજ્ઞાથી રૂહ અવતરિત કરે છે,[1] જેથી તે મુલાકાતના દિવસથી ડરાવે.
(૧૬) તે દિવસે (બધા) લોકો જાહેર થઈ જશે,[1] તેમની કોઈ વસ્તુ અલ્લાહથી છુપી નહિ રહે, આજે રાજય કોનું છે ?[2] ફક્ત એક અલ્લાહ પ્રભુત્વશાળીનું.
(૧૭) આજે દરેક જીવને તેમના કર્મોનું ફળ આપવામાં આવશે, આજે (કોઈ પ્રકારનો) જુલમ નથી, બેશક અલ્લાહ (તઆલા) જલ્દી હિસાબ લેનાર છે.
(૧૮) અને તેમને ખૂબ નજીક આવનારી[1] (કયામત)થી આગાહ કરી દો જ્યારે કાળજા બહાર આવી રહ્યા હશે અને બધા શાંત હશે, જાલિમોનો ન કોઈ વલી (દોસ્ત) હશે, ન કોઈ ભલામણ કરનાર કે જેની વાત માનવામાં આવે.
(૧૯) તે આંખોની બેઈમાનીને અને દિલોમાં છૂપાયેલી વાતોને (સારી રીતે) જાણે છે.[1]
(૨૦) અને અલ્લાહ (તઆલા) યોગ્ય ફેંસલો કરી દેશે અને તેના સિવાય જેમને આ લોકો પોકારે છે તેઓ કોઈપણ વસ્તુનો પણ ફેંસલો કરી શકતા નથી, બેશક અલ્લાહ (તઆલા) સારી રીતે સાંભળનાર અને જોનાર છે. (ع-૨)