(૨૨) અને જ્યારે મદયન તરફ જવા લાગ્યા તો કહેવા લાગ્યા કે, “મને વિશ્વાસ છે કે મારો રબ મને સાચા માર્ગ પર લઈ જશે.”
(૨૩) અને મદયનના પાણી પર જ્યારે પહોંચ્યા તો જોયું કે લોકોનો એક સમૂહ ત્યાં પાણી પીવડાવી રહ્યો છે[1] અને બે સ્ત્રીઓ અલગ ઊભી (પોતાના જાનવરોને) સાચવતી દેખાઈ, પૂછ્યું કે, “તમારો મામલો શું છે?” તે બોલી કે, “જ્યાં સુધી આ ચરવાહા પાછા ન ફરે ત્યાં સુધી અમે પાણી નથી પીવડાવતા, અને અમારા પિતા ઘણા વૃધ્ધ છે.”
(૨૪) આ સાંભળીને મૂસાએ પોતે તે (જાનવરો)ને પાણી પીવડાવી દીધુ પછી છાંયડા તરફ આવી ગયા અને કહેવા લાગ્યા, “હે રબ! તું જે કંઈ ભલાઈ મારા તરફ ઉતારે હું તેનો યાચક (મોહતાજ) છું.”[1]
(૨૫) એટલામાં તે બંને સ્ત્રીઓમાંથી એક તેમના તરફ શરમ સાથે ચાલતી આવી અને કહ્યું કે, “મારા પિતા તમને બોલાવી રહ્યા છે જેથી તમે જે અમારા જાનવરોને પાણી પીવડાવ્યું છે તેની મજદૂરી આપે”, જ્યારે (હજરત મૂસા) તેમના પાસે પહોંચ્યા અને તેમને પોતાનો તમામ કિસ્સો સંભળાવ્યો તો તે કહેવા લાગ્યા કે, “હવે ન ડરો, તમે જાલિમ કોમથી છૂટકારો મેળવી લીધો છે.”
(૨૬) તે બંનેમાંથી એકે કહ્યું કે, “હે પિતાજી! તમે આમને મજદૂરી પર રાખી લો, કેમકે જેને તમે મજદૂરી પર રાખો તેમનામાં સૌથી સારો તે છે જે બળવાન અને ઈમાનદાર હોય.”
(૨૭) તેણે (વૃધ્ધે) કહ્યું કે, “હું મારી આ બે પુત્રીઓમાંથી એકને તમારા નિકાહમાં આપવા ઈચ્છુ છું એ મહેર (સ્ત્રીધન) પર કે તમે આઠ વર્ષ સુધી મારું કામકાજ કરજો. હાં, જો તમે દસ વર્ષ સુધી કામકાજ કરો તો એ તમારા તરફથી ઉપકાર છે, હું કદી એવું નથી ઈચ્છતો કે તમને કોઈ પ્રકારે તકલીફમાં નાખુ, અલ્લાહને કબૂલ થયું તો આગળ જઈ તમે મને ભલો માણસ પામશો.
(૨૮) (મૂસા અ.સ. એ) કહ્યું કે, “ઠીક છે, આ વાત તો તમારા અને મારા વચ્ચે નક્કી થઈ ગઈ, હું આ બંને મુદ્દતોમાંથી જેને પૂરી કરી લઉં પછી મારા પર કોઈ જુલમ ન થાય. આપણે આ જે કંઈ કરી રહ્યા છીએ તેના પર અલ્લાહ (ગવાહ અને) નિરીક્ષક છે. (ع-૩)