(૧૧૬) અને જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું કે, “આદમને સિજદો કરો, તો ઈબ્લીસ સિવાય બધાએ કર્યો, તેણે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો.”
(૧૧૭) અમે કહ્યું કે, “હે આદમ! આ તમારો અને તમારી પત્નીનો દુશ્મન છે. (ધ્યાન રહે) એવું ન બને કે તે તમને બંનેને જન્નતમાંથી કઢાવી મૂકે અને તમે મૂસીબતમાં મૂકાઈ જાઓ.
(૧૧૮) અહીં તો તમને સહૂલત છે કે ન તમે ભૂખ્યા થાઓ છો, અને ન નગ્ન.
(૧૧૯) અને ન તમે અહીં તરસ્યા થાઓ છો અને ન તડકાથી તકલીફ ઉઠાવો છો.”
(૧૨૦) પરંતુ શેતાને તેમને વસવસામાં નાખ્યા, કહેવા લાગ્યો કે, “હે આદમ ! શું હું તમને સ્થાયી જીવનનું વૃક્ષ અને તે રાજપાટ ન બતાઉં જે કદી વિનાશ ન થાય?”
(૧૨૧) છેવટે તે બંનેએ તે વૃક્ષથી કંઈક ખાઈ લીધુ પછી તેમના ગુપ્ત ભાગો ખુલી ગયા અને જન્નતના પાંદડાઓ પોતાના ઉપર ચિપકાવવા લાગ્યા, આદમે પોતાના રબની નાફરમાની કરી અને બહેકી ગયો.
(૧૨૨) પછી તેમના રબે તેમને નવાજ્યા, તેમની તૌબાને કબૂલ કરી અને તેમને હિદાયત આપી.[1]
(૧૨૩) ફરમાવ્યું, તમે બંને અહીંથી ઉતરી જાઓ, તમે પરસ્પર એકબીજાના દુશ્મન છો, હવે તમારા પાસે જ્યારે પણ મારા તરફથી હિદાયત પહોંચે તો જે મારી હિદાયતનું પાલન કરશે, ન તે બહેકશે ન મુસીબતમાં પડશે.
(૧૨૪) અને જે મારી યાદથી મોઢું ફેરવશે તેનું જીવન તંગ રહેશે અને અમે કયામતના દિવસે તેને આંધળો ઉઠાવીશું.”
(૧૨૫) (તે) કહેશે, “રબ! તેં મને આંધળો બનાવીને કેમ ઉઠાવ્યો ? જ્યારે કે હું જોઈ શકતો હતો.”
(૧૨૬) જવાબ મળશે કે, “આ રીતે જ થવું જોઈતુ હતું, તેં અમારી મોકલેલી આયતોને ભૂલાવી દીધી, તેવી જ રીતે આજે તને પણ ભૂલાવી દેવામાં આવે છે.”
(૧૨૭) અને અમે આવો જ બદલો દરેક મનુષ્યને આપીએ છીએ જે હદથી આગળ વધી જાય અને પોતાના રબની આયતો પર ઈમાન ન લાવે, અને બેશક આખિરતનો અઝાબ ઘણો સખત અને કાયમી છે.
(૧૨૮) શું તેમની હિદાયત આ વાતે પણ ન કરી કે અમે તેમના પહેલા ઘણી વસ્તીઓ હલાક કરી દીધી છે, જેમના રહેનારાઓની જગ્યા ઉપર આ લોકો હરી-ફરી રહ્યા છે, બેશક આમાં અકલમંદો માટે ઘણી બધી નિશાનીઓ છે. (ع-૭)