(૨૨) જેણે તમારા માટે ધરતીને પાથરણું અને આકાશને છત બનાવી, અને આકાશ માંથી પાણી વરસાવી તેનાથી ફળ ઉત્પન્ન કરી તમને રોજી આપી, તો પછી જાણીજોઈને કોઈને અલ્લાહનો ભાગીદાર ન બનાવો.
(૨૩) અને જો તમને આ બાબતમાં શંકા હોય, કે આ જે ગ્રંથ (કુરઆન) અમે પોતાના બંદા પર અવતરિત કર્યો છે, એ સાચો છે કે નહિ, અને જો તમે સાચા હોય તો આના જેવી એક જ સૂરહ(પાઠ) બનાવી લાવો, તમને છૂટ છે કે તમે અલ્લાહ સિવાય પોતાના બધાજ સાથીઓની મદદ લઈ શકો છો.
(૨૪) પછી જો તમે ન કર્યું અને ખરેખર તમે કદાપી નથી કરી શકતા, તો (આને સત્ય માનીને) એ આગ થી ડરો, જેનું બળતણ માનવી અને પથ્થર છે, જે સત્યને ઇન્કાર કરનારાઓ (કાફિરો) માટે તૈયાર કરવામાં આવી છે.
(૨૫) અને ઈમાનવાળાઓ તથા સત્કાર્યો કરવાવાળાઓને તે જન્નતોની ખુશખબર આપી દો, જેની નીચે નહેરો વહી રહી છે, જયારે પણ તેઓને ફળ ખાવા માટે આપવામાં આવશે તો તેઓ કહેશે કે આ તો તે જ છે જે અમને આનાથી પહેલા અમને ખાવા માટે આપવામાં આવ્યા હતા, તે મલતા-જૂલતા ફળ હશે અને તેઓ માટે પવિત્ર પત્નીઓ છે અને તેઓ તે જન્નતોમાં હંમેશા રહેવાવાળા છે.
(૨૬) નિઃશંક અલ્લાહ કોઈ ઉદાહરણ આપવાથી શરમાતો નથી, ભલે ને તે મચ્છરનું હોય અથવા તેનાથી પણ હલકી વસ્તુનું. ઈમાનવાળાઓ તો તેને પોતાના પાલનહાર તરફથી યોગ્ય ગણે છે અને ઇનકાર કરનારાઓ કહે છે કે આ ઉદાહરણનો અર્થ શું છે ? આના વડે કેટલાક લોકોને પથભ્રષ્ટ કરી દે છે અને વધુ પડતા લોકોને સત્યમાર્ગ પર લાવી દે છે અને પથભ્રષ્ટ તો ફક્ત વિદ્રોહીઓને જ કરે છે.
(૨૭) જે લોકો અલ્લાહ સાથે કરેલ મજબૂત વચન તોડી નાખે છે, અલ્લાહ તઆલાએ જે વસ્તુને જોડવાનો હુકમ (આદેશ) આપ્યો તેને તોડે છે અને ધરતી ઉપર બગાડ ફેલાવે છે હકીકતમાં આ જ લોકો નુકશાન ઉઠાવનારા છે.
(૨૮) તમે અલ્લાહને કેવી રીતે નથી માનતા, જ્યારે કે તમે નિર્જીવ હતા તો તેણે તમને જીવન આપ્યું, પછી તમને મૃત્યુ આપશે, પછી બીજીવાર જીવતા કરશે, પછી તમારે એના પાસે પાછા ફરવાનું છે.